અવકાશની દુનિયામાં નવો ‘પ્રારંભ’, Vikram-S નું સફળ લોન્ચિંગ, જાણો આ 8 વિશેષતાઓ

vikram s
vikram s

ભારતે અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. દેશનું પ્રથમ ખાનગી રોકેટ ‘વિક્રમ-એસ’ આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં લોન્ચ કરવામાં આવ્યું છે. વિક્રમ-એસ રોકેટ સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ રોકેટના પ્રક્ષેપણ પછી, સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના અવકાશ મિશનમાં પગ મૂકનાર ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની કંપની બની ગઈ છે.

આ પહેલીવાર છે જ્યારે કોઈ ખાનગી કંપનીને સ્પેસ પ્રોગ્રામમાં પોતાનું કૌશલ્ય અજમાવવાનો મોકો મળ્યો છે. અત્યાર સુધી સ્પેસ મિશન પર સરકારની માલિકીની ISROનું વર્ચસ્વ હતું. વિક્રમ-એસ મિશનને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યું છે. જ્યારે રોકેટનું નામ ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા અને વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે.

વિક્રમ-એસ રોકેટે શુક્રવારે શ્રીહરિકોટામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. INSPACE ચીફ પવન ગોએન્કાએ જણાવ્યું કે ભારતનું પ્રથમ ખાનગી રોકેટ મિશન સફળ રહ્યું છે. ‘વિક્રમ-એસ’ રોકેટે ત્રણ ઉપગ્રહોને વહન કરતા અવકાશયાનમાંથી ઉડાન ભરી છે. આ રોકેટ 6 મીટર ઊંચું છે અને તેનું નામ સ્પેસ પ્રોગ્રામના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે.

તે આજે સવારે 11 વાગ્યે શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્રથી રવાના થયું હતું. INSPACE પ્રમુખ ગોએન્કાએ કહ્યું કે ભારતના ખાનગી ક્ષેત્ર માટે આ એક નવી શરૂઆત છે, જે અવકાશના ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહ્યું છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે. ત્યારે, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભારતની સ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.

તેમણે વધુમાં કહ્યું કે આ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે પણ એક વળાંક છે. વિક્રમ-એસ મિશનને નવી શરૂઆતના પ્રતીક તરીકે ‘પ્રરંભ’ નામ આપવામાં આવ્યું છે. વિક્રમ-એસ એ ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટ-અપ ‘સ્પેસ કિડ્ઝ’, આંધ્ર પ્રદેશના સ્ટાર્ટ-અપ ‘એન-સ્પેસ ટેક’ અને આર્મેનિયન સ્ટાર્ટ-અપ ‘બાઝુમક્યુ સ્પેસ રિસર્ચ લેબ’ ના ઉપગ્રહો લઈને અવકાશમાં ઉડાન ભરી.

સ્કાયરૂટ એરોસ્પેસ સ્ટાર્ટ અપે ISRO અને IN-SPACE ના સહયોગથી હૈદરાબાદમાં વિક્રમ-એસ રોકેટનું નિર્માણ કર્યું છે. આ રોકેટ બે ભારતીય અને એક આંતરરાષ્ટ્રીય ગ્રાહક પેલોડને અવકાશમાં લઈ ગયું છે. ભારતીય સ્પેસ રેગ્યુલેટર ઇન-સ્પેસે બુધવારે સ્કાયરૂટના વિક્રમ-એસ સબ-ઓર્બિટલ વ્હીકલના લોન્ચને અધિકૃત કર્યું છે. તેના અધ્યક્ષ પવન ગોએન્કાએ કહ્યું હતું કે આ મિશન ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે એક મોટી છલાંગ છે.

‘સ્કાયરૂટ એરોસ્પેસ’ ભારતની પ્રથમ ખાનગી કંપની બની છે જેણે પ્રથમ વખત ભારતીય અવકાશ કાર્યક્રમમાં પગ મૂક્યો છે, જે પછી સરકારે સ્પેસ ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યો છે. ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા બનાવવામાં આવેલ ‘વિક્રમ-એસ’ રોકેટનું પ્રથમ મિશન સફળ રહ્યું છે. ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ની યોજના મુજબ રોકેટ પ્રક્ષેપણ પછી 89.5 કિમીની ઊંચાઈએ પહોંચ્યું હતું અને તેણે 121.2 કિમીનું અંતર કાપ્યું હતું.

read more…