રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ઉનાળો અને શિયાળો એમ બે સિઝન ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે પણ આશંકા વ્યક્ત કરી છે કે ગુજરાત પર ચક્રવાતનો ખતરો તોળાઈ શકે છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. આ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે અમદાવાદના પર્યાવરણ વિશે જણાવ્યું કે અમદાવાદનું વાતાવરણ સારું રહેશે. અહીં વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે જેથી વાતાવરણ ખુશનુમા રહેશે. આ સાથે લઘુત્તમ તાપમાન પણ 23 થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
મનોરમા મોહંતીએ એમ પણ કહ્યું હતું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય હોય તો તેની અસર ગુજરાતના વાતાવરણને થાય છે. અરબી સમુદ્રમાં એક સરક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન સર્જાય તેવી શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની આગાહી કરી હતી. તેમણે કહ્યું કે અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને તે સિસ્ટમ તોફાનમાં ફેરવાઈ જશે. પરંતુ ટ્રેક કયો હશે તે કહેવું મુશ્કેલ છે. ગુજરાતમાં વધુ એક વાવાઝોડું ત્રાટકે તેવી દહેશત છે. અરબી સમુદ્રમાં ભયંકર તોફાન સર્જાઈ શકે છે.
હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે હાલમાં દરિયામાં હળવી હલચલ છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, સોમવારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરને કારણે આગામી 36 કલાકમાં ડિપ્રેશનની શક્યતા છે. હાલમાં તેની દિશા પશ્ચિમ-ઉત્તર હોવાનું અનુમાન છે. જો કે વાવાઝોડું આવશે કે નહીં તે અંગે હવામાન વિભાગ તરફથી કોઈ સત્તાવાર સમર્થન નથી. પરંતુ વિવિધ હવામાન મોડેલો ખૂબ જ મજબૂત તોફાન ઉછાળો દર્શાવે છે.
ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ વેધર મોડલ મુજબ ચક્રવાત ગુજરાત તરફ આગળ વધી શકે છે. તો ECMWF વેધર મોડલ મુજબ તોફાન ઓમાન પર ટકરાઈ શકે છે. જીએફએસ મોડલ આગાહી કરે છે કે ફરી એક વખત બિપોરજોય જેવું ચક્રવાત કચ્છ અને પાકિસ્તાનની સરહદે ત્રાટકી શકે છે. જોકે, હાલ આ માત્ર અટકળો છે. વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે. પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ સ્થિતિ સ્પષ્ટ થશે.