આખું વર્ષ જેની આતુરતાથી રાહ જોવામાં આવતી હતી તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે. ચોમાસાનો સત્તાવાર પ્રવેશ ભારતના દરવાજા પર આવી ગયો છે. મેઘરાજાએ કેરળ કિનારે દસ્તક આપી દીધી છે અને હવે ગુજરાત તરફ વરસાદી યાત્રા શરૂ થઈ ગઈ છે. તો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? હવામાન વિભાગ શું કહે છે અને અંબાલાલ પટેલની આગાહી શું છે? ચાલો જાણીએ.
ચોમાસાનું સત્તાવાર રીતે કેરળમાં આગમન થઈ ગયું છે. દક્ષિણ-પશ્ચિમના સક્રિય પવનો અને અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે ચોમાસું હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં પણ મેઘરાજાના પ્રવેશની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને દક્ષિણ-પશ્ચિમના ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા, ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ પડી શકે છે. જોકે, વરસાદ પહેલા ગરમીનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના મોજા લોકોને પરેશાન કરી શકે છે.
પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના મતે, 25 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશી શકે છે. જ્યારે 7 થી 9 જૂન દરમિયાન રાજ્યમાં પૂર્વ-ચોમાસા વરસાદી સ્થિતિ થવાની સંભાવના છે. પશ્ચિમી વિક્ષોભને કારણે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 16 જૂનની આસપાસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. જ્યારે 20 થી 28 જૂન દરમિયાન આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની સંભાવના છે. તેમના મતે, આદ્રા અને રોહિણી નક્ષત્રના અંતિમ તબક્કામાં વરસાદ ખેતી માટે શુભ માનવામાં આવે છે. હાલમાં અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ બનવાની શક્યતા નથી, પરંતુ બંગાળની ખાડીમાં લો-પ્રેશર વિસ્તાર બની શકે છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં શરૂઆતના તબક્કામાં વરસાદ થોડો ઓછો થઈ શકે છે.
તો એક તરફ વરસાદી ઋતુના આગમનનો આનંદ છે, તો બીજી તરફ ચોમાસા પહેલા બીજી તીવ્ર ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. પરંતુ ખેડૂતો સહિત દરેક વ્યક્તિ હવે આકાશ તરફ જોઈ રહી છે. કારણ કે મેઘરાજાની રાહ હવે લાંબી નથી.
