ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણ તાકાત સાથે સક્રિય થયું છે. હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યભરમાં ચોમાસાની ઋતુનો કુલ 55.22 ટકા વરસાદ નોંધાયો છે, જે દરમિયાન વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 30 જુલાઈથી ગુજરાત પર મેઘરાજા ત્રાટકવાની તૈયારીમાં છે. કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની તકેદારી માટે સલાહ
ગાજવીજ અને વીજળીના કડાકા દરમિયાન નાગરિકોને ખુલ્લા ખેતરોમાં ન જવા, મોટા ઝાડ નીચે આશરો ન લેવા અને ઘરમાં વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન આગામી દિવસોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, આજે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ‘વેધર વોચ ગ્રુપ’ની બેઠક રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
હવામાન વિભાગનું ‘ન્યૂકાસ્ટ બુલેટિન’ અને તાત્કાલિક આગાહી
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા ન્યૂકાસ્ટ બુલેટિન મુજબ, સવારે 7:00 વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી સ્થિતિ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પ્રતિ કલાક 5 થી 15 મીમીના દરે મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ગતિએ પવન અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે.
હળવા વરસાદની શક્યતા
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ધનુ અને જલદાયક નક્ષત્રમાં ગ્રહોના કારણે સારો વરસાદ પડશે. અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
આગામી દિવસોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ
આગામી બે દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની ધારણા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. 1 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 1 ઓગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 29 અને 30 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
