રાજ્યમાં થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ચાલો જાણીએ કે એકંદર આગાહી શું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં ડિપ્રેશન, મોનસુન ટ્રફ, શીયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને 16 અને 17 ઓગસ્ટે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય કરતાં એક ટકા વધુ વરસાદ પડ્યો હતો.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, મધ્ય ગુજરાતના વડોદરા સહિતના વિસ્તારોમાં તેમજ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અહીં-ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના નજીકના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે અને વરસાદની શક્યતા વધી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદાના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટશે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. જોકે, શનિવારે સ્વતંત્રતા દિવસે હવામાન સ્વચ્છ રહેશે. ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જે ગુજરાતમાં વરસાદ લાવશે. 24 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીથી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થશે. ત્યારબાદ ૨૩ અને ૩૧ ઓગસ્ટના રોજ વરસાદી સ્થિતિની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૨૪ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમિયાન રાજ્યના હવામાનમાં ફરી મોટો ફેરફાર થઈ શકે છે. અરબી સમુદ્ર સક્રિય થતાં ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનું બીજું ચક્ર શરૂ થઈ શકે છે. આ સિસ્ટમ સક્રિય થતાં, ૨૪ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે ૬ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી પણ કરી છે. ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદ પડી શકે છે. જ્યારે ભાદરવી પૂનમના દિવસે અંબાજી પંથકમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ૨૩ સપ્ટેમ્બર પછી રાજ્યમાં ગરમી વધવાની પણ આગાહી કરવામાં આવી છે. જોકે, ૧૦ ઓક્ટોબરની આસપાસ પણ વરસાદ પડી શકે છે અને નવેમ્બર મહિનામાં પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.
