ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ વિશ્વ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની ગંભીર આગાહી કરી છે. માર્ચના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાને કારણે રાજ્યના ઘણા ભાગોમાં હવામાન બદલાશે અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 26 થી 28 માર્ચ દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી પહોંચશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યની રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં પણ આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદની સંપૂર્ણ શક્યતા છે.
આ વખતે માત્ર વરસાદ જ નહીં, પણ પવનની ગતિ પણ ખેડૂતો અને નાગરિકોની મુશ્કેલીઓ વધારી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ જોરદાર પવનને કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. હાલમાં રાજ્યમાં ઘઉં, જીરું, વરિયાળી અને સરસવ જેવા રવિ પાકોની લણણીની મોસમ ચાલી રહી છે. જો આવા સમયે વરસાદ અને કરા પડે તો તૈયાર પાકને ભારે નુકસાન થઈ શકે છે. કેરીના મોર જેવા બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.
