રતન ટાટા માત્ર એક ઉદ્યોગપતિ જ નહોતા, પરંતુ એક દયાળુ વ્યક્તિ પણ હતા. તેમણે જીવતા હતા ત્યારે તેમના સહકાર્યકરોની સંભાળ રાખી હતી એટલું જ નહીં, પરંતુ તેમના મૃત્યુ પછી પણ તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા માટે તેમણે તેમના વસિયતનામામાં વ્યવસ્થા પણ કરી હતી.
રતન ટાટાએ તેમના ઘરકામ કરનારાઓ, ઓફિસ સ્ટાફ અને તેમના પ્રિય પાલતુ કૂતરા ‘ટીટો’ માટે કરોડોની સંપત્તિ છોડી દીધી છે. પરંતુ નવાઈની વાત એ છે કે તેમણે પોતાના અંતિમ સંસ્કાર માટે માત્ર ₹ 2500 રાખ્યા હતા.
રતન ટાટાના વસિયતનામા મુજબ, આ દિગ્ગજ ઉદ્યોગપતિએ તેમના ઘર અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ માટે ₹ 3.5 કરોડથી વધુની રકમ છોડી દીધી છે. તેમણે તેમના કાર ક્લીનર, પટાવાળા અને અન્ય સ્ટાફના બધા દેવા પણ માફ કરી દીધા.
તેમણે પોતાના વસિયતનામામાં 7 વર્ષથી વધુ સમય સેવા આપનારા કર્મચારીઓને ₹15 લાખ અને પાર્ટ-ટાઇમ કર્મચારીઓ અને કાર ક્લીનર્સને ₹1 લાખ આપવાના નિર્દેશો પણ આપ્યા હતા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ કરાયેલા તેમના વસિયતનામામાં, રતન ટાટાએ લખ્યું હતું કે તેમના કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલી લોનને હવે લોન નહીં પણ તેમના તરફથી ભેટ ગણવી જોઈએ.
રસોઈયાને કરોડપતિ બનાવ્યો
તેમણે ટાટા સાથે લાંબા સમયથી કામ કરતા રસોઈયા રંજન શોને ₹1 કરોડ આપ્યા છે, જેમાં ₹51 લાખની લોન માફીનો પણ સમાવેશ થાય છે. તેમના બટલર સુબ્બૈયા કોનારને ₹66 લાખ (₹36 લાખનું દેવું માફ કરવામાં આવ્યું) અને તેમના સેક્રેટરી ડેલનાઝ ગિલ્ડરને ₹10 લાખ આપવામાં આવ્યા. તેમના વસિયતનામામાં એવો પણ ઉલ્લેખ છે કે ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી ડેરિયસ ખંભટ્ટા અને અન્ય લોકોને ટાટાની વસિયત પૂરી કરવા બદલ પ્રતિ વ્યક્તિ ₹ 5 લાખનું ઇનામ આપવામાં આવશે.
આસિસ્ટન્ટની MBA ફી માફ કરવામાં આવી
તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી MBA કરવા માટે તેમના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ શાંતનુ નાયડુને આપવામાં આવેલી ₹1 કરોડની લોન સંપૂર્ણપણે માફ કરી દીધી. ડ્રાઇવર રાજુ લિયોનને ₹1.5 લાખ આપ્યા અને તેનું ₹18 લાખનું દેવું માફ કર્યું. ટાટાએ તેમના પાડોશી જેક મેલેટેનું ₹23.7 લાખનું લોન પણ માફ કરી દીધું, જે તેમણે વોરવિક બિઝનેસ સ્કૂલ (યુકે)માંથી MBA કરવા માટે લીધું હતું.
પાલતુ કૂતરા માટે ૧૨ લાખ રૂપિયા
રતન ટાટાના પ્રિય જર્મન શેફર્ડ ‘ટીટો’ માટે ₹૧૨ લાખ અલગ રાખવામાં આવ્યા છે. ટીટો પર દર ક્વાર્ટરમાં ₹30,000 ખર્ચ કરવામાં આવતા હતા, અને તેની સંભાળ રાખવાની જવાબદારી રંજન શોને સોંપવામાં આવી હતી.
મિલકતમાં કોને કેટલો હિસ્સો મળ્યો?
રતન ટાટાના વસિયતનામા મુજબ, ભાઈ જીમી ટાટાને મુંબઈના જુહુમાં પારિવારિક મિલકતનો હિસ્સો મળશે, જેની કિંમત ૧૬ કરોડ રૂપિયા છે. બંને સાવકી બહેનોને તેની બાકી રહેલી સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ મળશે. આમાં બેંકમાં જમા કરાયેલા 385 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.
અલીબાગમાં 6.2 કરોડ રૂપિયાની મિલકત અને બંદૂકો રતન ટાટાના મિત્ર મેહલી મિસ્ત્રીને આપવામાં આવી છે. ટાટા સન્સમાં રતન ટાટાનો 70% હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF) ને આપવામાં આવ્યો છે અને બાકીનો 30% હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ (RTET) ને આપવામાં આવ્યો છે.