દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે દેશમાં લગભગ 84 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વોટ્સએપની પેરન્ટ કંપની મેટાએ માત્ર એક મહિનામાં આ કાર્યવાહી કરી છે. કંપનીનું કહેવું છે કે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કૌભાંડો માટે કરવામાં આવી રહ્યો હતો, તેથી કંપનીએ આ શંકાસ્પદ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા યુઝર્સે વોટ્સએપને આવા કૌભાંડો વિશે જાણ કરી હતી અને તેના પ્લેટફોર્મ પર તેની ફરિયાદ કરી હતી.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા પારદર્શિતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યૂઝર્સની સુરક્ષા માટે Meta એ લગભગ 8,458,000 WhatsApp એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 4(1)(d) અને 3A(7)નું પાલન કરવા માટે કરવામાં આવી છે. સતત ફરિયાદો મળ્યા બાદ, વોટ્સએપે મોનિટરિંગ વધાર્યું હતું અને જે એકાઉન્ટ્સ શંકાસ્પદ જણાયા હતા તેને કંપનીએ પ્રતિબંધિત કરી દીધા હતા.
એક માસની કાર્યવાહી હાથ ધરી
કંપનીનો રિપોર્ટ દર્શાવે છે કે મેટાએ 1 થી 31 ઓગસ્ટની વચ્ચે આ તમામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાંથી 16.61 લાખ ખાતા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ખાતા શંકાસ્પદ જણાતા તપાસ બાદ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. કંપનીએ યૂઝર્સની કોઈપણ ફરિયાદ વગર 16 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા કારણ કે મોનિટરિંગ દરમિયાન તેનો દુરુપયોગ બહાર આવ્યો હતો.
કંપનીને 10 હજારથી વધુ ફરિયાદો મળી હતી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2024માં કંપનીને યુઝર્સ તરફથી 10,707 ફરિયાદો મળી છે. જેમાંથી કંપનીએ 93 સામે કડક કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ઈમેલ અને અન્ય માધ્યમો દ્વારા મળેલી ફરિયાદોની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. કંપનીનું કહેવું છે કે આમાંના મોટાભાગના ખાતાઓ કૌભાંડ અને શોષણ સંબંધિત ફરિયાદો હતી.
આ કારણોસર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાય છે
જો કોઈ યુઝર અતિશય જથ્થાબંધ મેસેજ મોકલે છે અથવા તેનો ઉપયોગ સ્પામ અથવા કોઈ છેતરપિંડી માટે કરે છે અથવા ખોટી માહિતી શેર કરે છે અથવા અફવાઓ ફેલાવે છે, તો તેના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
જો કોઈ વપરાશકર્તા ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરે છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે WhatsAppનો ઉપયોગ કરે છે, તો પણ તેનું એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પર કોઈપણ યુઝર વિરુદ્ધ ફરિયાદ કરે છે અથવા તેનું શોષણ કરવાનો પ્રયાસ કરે છે, તો તપાસ બાદ આવા યૂઝરના એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવશે.