શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં સતત અપડેટ્સ બહાર આવી રહ્યા છે. કરણી સેના પ્રમુખની હત્યાના સંદર્ભમાં જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં અશોક ગેહલોતનું નામ પણ સામે આવી રહ્યું છે.
જયપુરમાં થયેલી આ સનસનાટીભરી હત્યાને જોતા રાજપૂત સંગઠનોએ બુધવારે રાજસ્થાન બંધનું એલાન આપ્યું હતું. બુધવારે રાત્રે પ્રદર્શનકારીઓની માંગણીઓ પર સહમતિ બની હતી, ત્યારબાદ મામલો ઉકેલાયો હતો. જો કે, ગોગામેડીની પત્નીએ જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રશાસને ગોગામેડીની પત્ની શિલા શેખાવત સાથે વાત કરી. સરકાર અને વહીવટીતંત્રે તેમની જે પણ માંગણીઓ હશે તે સ્વીકારવાની ખાતરી આપી હતી. જે બાદ સુખદેવ સિંહ ગોગામેડીની પત્નીએ હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી હતી.
સુખદેવ સિંહ ગોગામેડીની મંગળવારે જયપુરના શ્યામ નગર વિસ્તારમાં તેમના ઘરમાં ઘૂસી બે હુમલાખોરોએ હત્યા કરી હતી. બદમાશોએ નિર્ભય રીતે અંધાધૂંધ ગોળીબાર કરીને ગોગામેડીની હત્યા કરી હતી. આ ઘટના બાદ ગોગામેડીના સમર્થકો આરોપીઓની ધરપકડની માંગ સાથે મંગળવાર રાતથી હડતાળ પર બેઠા હતા. બુધવારે સમગ્ર રાજ્યમાં રાજસ્થાન બંધની અસર જોવા મળી હતી.
બીજી તરફ પ્રશાસન તરફથી આંદોલનને સમાપ્ત કરવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા. અધિકારીઓએ અનેક રાઉન્ડની બેઠકો બાદ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી માંગણીઓ સ્વીકારવામાં આવી હતી, ત્યારબાદ હડતાલ સમાપ્ત થઈ હતી. દરમિયાન, આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્યના કાર્યકારી સીએમ અશોક ગેહલોતનું નામ પણ સામેલ છે. શ્યામ નગર પોલીસ સ્ટેશનના SHO વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યપાલે પોતે ચાર્જ સંભાળ્યો, અમિત શાહ સાથે વાત કરી
બીજી તરફ ગોગામેડી હત્યાકાંડ સંદર્ભે બુધવારે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેની ખાસ્સી અસર જોવા મળી હતી. ઘણા વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રહી હતી. આરોપીઓની ધરપકડની માંગ સાથે વિરોધીઓએ હોસ્પિટલની બહાર દેખાવો કર્યા હતા. રાજ્યની સ્થિતિ જોઈને રાજ્યપાલ કલરાજ મિશ્રાએ મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી અને જયપુર પોલીસ કમિશનરને રાજભવન બોલાવ્યા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વિશેષ સમીક્ષા કરી. રાજ્યપાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી. બીજી તરફ પ્રદર્શનકારીઓના પ્રતિનિધિમંડળ અને વહીવટીતંત્ર વચ્ચેની ચર્ચામાં માંગણીઓ પર સહમતિ સધાઈ હતી. આ પછી ગોગામેડીનું પોસ્ટમોર્ટમ થયું. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 કલાકે ગોગામેડી ગામે કરવામાં આવશે.