કેન્દ્ર સરકારની RDSS (રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ) સ્કીમ હેઠળ, PGVCL એ PGVCL વીજ ગ્રાહકો (કૃષિ અને ઉચ્ચ દબાણવાળા વીજ ગ્રાહકો સિવાય)ના વીજ સ્થાપનોમાં સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ યોજના હેઠળ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાથી, વીજ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ રિચાર્જ કરી શકશે. આમ ગ્રાહકોની સુખાકારીમાં વધારો થશે. આ ઉપરાંત પીજીવીસીએલના કર્મચારીઓને સમયાંતરે મીટર રીડિંગ માટે રૂબરૂ જવાની જરૂર નહીં પડે, જેથી સમયની પણ બચત થશે.
આ યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકારના REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ વિભાગની નિમણૂક કરવામાં આવી છે. PGVCL (કુલ રૂ. 3600 કરોડના ખર્ચે)ના 55,83,000 વીજ ગ્રાહકોના વિદ્યુતીકરણમાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર બે તબક્કામાં સ્થાપિત કરવાની યોજના છે.
આ યોજના અંતર્ગત પાયલોટ ટાઉન તરીકે સૌપ્રથમ મહિલા કોલેજ પેટા વિભાગીય કચેરી-રાજકોટ ખાતેથી મીટર લગાવવાનું આયોજન છે. આ ઉપરાંત જામનગર શહેર વિભાગના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનમાં પણ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જાન્યુઆરી-2025 સુધીમાં 23.66 લાખ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
આ મીટરો સરકારી વીજ જોડાણો, વિતરણ ટ્રાન્સફોર્મર, ઔદ્યોગિક વીજ જોડાણો, કોમર્શિયલ વીજ જોડાણો અને ઘરગથ્થુ વીજ જોડાણોમાં લગાવવાનું આયોજન છે.
પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં રિચાર્જની પ્રક્રિયા મોબાઈલ પ્રી-પેઈડ સિમ કાર્ડ જેવી જ હશે. હવે માસિક ચુકવણીને બદલે, જરૂરિયાત મુજબ અનુકૂળ દિવસો અથવા કલાકો માટે ચૂકવણી કરી શકાય છે. જો કોઈ વીજ ગ્રાહકનું રિચાર્જ રાત્રિ દરમિયાન પૂર્ણ થાય તો આવા ગ્રાહકોને રાત્રિ દરમિયાન વીજળી વગર રહેવું ન પડે તે માટે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.