મહેન્દ્ર સિંહ ધોનીએ 2010માં સાક્ષી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે પહેલા તેની એક ગર્લફ્રેન્ડ હતી, જેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તો ચાલો જાણીએ શું છે આખી કહાની. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં શોની લાઈમલાઈટ ચોરી લીધી હતી. તેણે 17 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37* રનની ઇનિંગ રમી હતી.
ધોનીની આ ઈનિંગની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ત્યારે અમે તમને ધોનીના અંગત જીવનની તે કહાનીથી પરિચિત કરાવીશું જે ઘણા લોકો જાણતા નથી. અમે તમને જણાવીશું કે તેના પર બનેલી ફિલ્મ ‘ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં બતાવવામાં આવ્યું હતું કે, તેની પહેલી ગર્લફ્રેન્ડ પ્રિયંકાએ કાર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે ધોની પાકિસ્તાન સામેની ODI મેચ માટે પ્લેનમાં મુસાફરી કરી રહ્યો છે અને આ દરમિયાન પ્રિયંકા પણ ફ્લાઈટમાં છે અને તેને સચિન તેંડુલકરનો ઓટોગ્રાફ જોઈએ છે. ધોની તેને સચિનનો ઓટોગ્રાફ આપે છે અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે.
ફિલ્મમાં આગળ બતાવવામાં આવ્યું હતું કે પ્રિયંકા ફેબ્રુઆરી 2006માં માહી માટે વેલેન્ટાઈન ગિફ્ટ ખરીદવા બહાર જાય છે, પરંતુ આ દરમિયાન તેની કારનો અકસ્માત થાય છે અને તેનું મૃત્યુ થાય છે. પરંતુ વાસ્તવમાં કહાની કંઈક અલગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોની તેની પહેલી ગર્લફ્રેન્ડને 2005માં નહીં પરંતુ 2002માં મળ્યો હતો અને તે સમયે ધોની ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ પણ નહોતો.
એવું કહેવાય છે કે મુલાકાત પછી બંને પ્રેમમાં પડ્યા અને બંનેએ કાયમ સાથે રહેવાનું વચન આપ્યું, પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું. રિપોર્ટ્સ અનુસાર ધોનીની પહેલી ગર્લફ્રેન્ડનું મૃત્યુ 2006માં નહીં પરંતુ 2003માં થયું હતું. તે સમયે ધોનીને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારત A માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે પ્રવાસમાં માહીએ 6 ઇનિંગ્સમાં 362 રન બનાવ્યા હતા.