BMW ઈન્ડિયાએ દેશમાં i5 ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. તેની કિંમત 1.20 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. હાલમાં, i5 ભારતમાં માત્ર ટોપ મોડલ M60 xDrive વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ થશે. આ ઇલેક્ટ્રિક સેડાન BMW ઇન્ડિયા રેન્જમાં i4 (રૂ. 72.5 લાખ) અને i7 (રૂ. 2.03 કરોડ – રૂ. 2.5 કરોડ) વચ્ચે બેસે છે. i5 ના લોન્ચ સાથે, BMW ઇન્ડિયા પાસે હવે 5 ઇલેક્ટ્રિક વાહનો છે, જેમાં iX1, iX xDrive50, i4 અને i7નો સમાવેશ થાય છે. i5નું બુકિંગ 4 એપ્રિલથી શરૂ થઈ ગયું છે.
M60 xDrive વેરિઅન્ટમાં, BMW i5 83.9kWh (ઉપયોગી 81.2kWh) બેટરી પેકથી સજ્જ છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ કાર 516 કિલોમીટર (WLTP મુજબ) ચાલી શકે છે. તેમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ છે – એક આગળ અને એક પાછળ. સાથે મળીને તેઓ 601hp પાવર અને 795Nm ટોર્ક જનરેટ કરે છે. BMW દાવો કરે છે કે આ વાહન માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 230 કિલોમીટર પ્રતિ કલાક છે.
BMW આ કાર સાથે ફ્રીમાં 11kW વોલ ચાર્જર આપી રહી છે, પરંતુ જો તમે ઈચ્છો તો તમે 22kW AC ચાર્જર અલગથી ખરીદી શકો છો. કંપનીનું કહેવું છે કે આ વાહન 205kWના DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સાથે 10 થી 80 ટકા સુધી ચાર્જ થવામાં 30 મિનિટથી ઓછો સમય લાગશે.
BMW i5ને 12.3-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 14.9-ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન મળે છે. તેની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ BMWની નવીનતમ iDrive 8.5 OS પર ચાલે છે અને તે ગેમિંગ અને વીડિયો ફંક્શન્સ સાથે આવે છે. તેમાં 245/40 R20 (ફ્રન્ટ) અને 275/35 R20 (પાછળના) ટાયર છે. તેમાં 20 ઇંચના એલોય વ્હીલ્સ છે.