આઈપીએલ 2024ની 41મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો હતો. સનરાઇઝર્સની આ 8મી મેચ હતી જ્યારે રોયલ ચેલેન્જર્સની આ 9મી મેચ હતી. સતત ઘણી હારનો સામનો કર્યા બાદ બેંગલુરુને 9મી મેચમાં જીત મળી હતી. આ જીત બાદ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે તે આજે રાત્રે શાંતિથી સૂઈ જશે.
“આજે રાત્રે શાંતિથી ઉંઘ આવશે”
આઇપીએલમાં ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 35 રને મળેલી જીત બાદ ડુ પ્લેસિસે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું- “છેલ્લી બે મેચોમાં અમે સારી લડત આપી હતી. હૈદરાબાદે 270થી વધુ રન બનાવ્યા હતા, અમે 260 રન બનાવ્યા હતા. કોલકાતા સામે પણ અમે માત્ર 1 રનથી હારી ગયા હતા. અમે લાંબા સમયથી જીતની નજીક આવી રહ્યા હતા, પરંતુ જીત મળતી નહોચી. આજે અમારી ટીમને રાત્રે સારી ઊંઘ આવશે.”
ડુ પ્લેસિસે વધુમાં કહ્યું, “તમે માત્ર વાત કરીને ટીમમાં આત્મવિશ્વાસ જગાડી શકતા નથી. તમે દેખાડો કરી શકતા નથી. આત્મવિશ્વાસ માત્ર પ્રદર્શનથી જ આવે છે.”
તે જ સમયે ડુ પ્લેસિસ પણ ખુશ છે કે માત્ર કોહલી જ નહીં પરંતુ અન્ય બેટ્સમેન પણ રન બનાવી રહ્યા છે. તેણે કહ્યું, “આઈપીએલમાં દરેક ટીમ ખૂબ જ મજબૂત છે. જો તમે 100% નહીં આપો તો તમારે હારનો સામનો કરવો પડશે. હવે વધુ બેટ્સમેન રન બનાવી રહ્યા છે. ટૂર્નામેન્ટના પહેલા હાફમાં માત્ર વિરાટ જ રન બનાવી રહ્યો હતો. રજત પાટીદાર સ્કોર કરી રહ્યો હતો. ટીમ માટે હવે રન ખૂબ સારા છે.”
સનરાઇઝર્સ વિ રોયલ ચેલેન્જર્સ સ્કોરકાર્ડ
હૈદરાબાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર તેની 8મી મેચ રમવા આવી હતી. આ મેચમાં બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા અને હૈદરાબાદને 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રજત પાટીદારે આ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 20 બોલમાં 50 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 171 રન બનાવી શકી હતી. જે બાદ રોયલ ચેલેન્જર્સે 35 રને મેચ જીતી લીધી હતી.