ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. કેનેડાની પોલીસે દાવો કર્યો છે કે તેના દેશમાં ઈતિહાસની સૌથી મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, જેના માટે કેટલાક ભારતીય યુવાનોને આરોપી બનાવવામાં આવ્યા છે. કેનેડિયન પોલીસે 36 વર્ષીય ભારતીયની પણ ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5ની શોધ ચાલી રહી છે. ટોરન્ટો એરપોર્ટ પર ફિલ્મી સ્ટાઈલમાં આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. કેનેડિયન પોલીસનું કહેવું છે કે કડક સુરક્ષા વચ્ચે 400 કિલો સોનું અને 2.5 મિલિયન કેનેડિયન ડોલર એટલે કે અંદાજે 187 કરોડ રૂપિયાની ચોરી થઈ છે.
કેનેડિયન પોલીસ અનુસાર ચોરીની આ ઘટના 17 એપ્રિલ, 2024 ના રોજ બની હતી. 6,600 શુદ્ધ સોનાના બારથી ભરેલું 400 કિલોનું કન્ટેનર, જેમાં 2.5 મિલિયન કેનેડિયન ડૉલર પણ હતા, એક સુરક્ષિત સ્ટોરેજ સુવિધામાંથી ચોરાઈ ગયા હતા. બનાવટી દસ્તાવેજોની મદદથી સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ કન્ટેનર સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ એરપોર્ટથી ટોરોન્ટો એરપોર્ટ લાવવામાં આવ્યું હતું. કન્ટેનરને કાર્ગોમાંથી ઉતારવામાં આવ્યું હતું અને કેમેરા અને સુરક્ષા કર્મચારીઓથી સજ્જ સ્ટોરેજમાં જમા કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પોલીસને ખબર પડી કે સોનું અને રોકડ સાથેનું કન્ટેનર ગાયબ છે.
કેનેડિયન પોલીસે 6 મેના રોજ ભારતમાંથી ટોરોન્ટો એરપોર્ટ પર ઉતરેલા અર્ચિત ગ્રોવરની ધરપકડ કરી છે. તેના પર ચોરીમાં સામેલ હોવાનો આરોપ છે. અગાઉ કેનેડિયન પોલીસે પણ અર્ચિત વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. પોલીસનું કહેવું છે કે અર્ચિતની અગાઉ પણ 5 હજાર કેનેડિયન ડોલરની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેની સામે અમેરિકામાં પણ ચોરીનો આરોપ છે. ગ્રોવરને ઑન્ટેરિયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
પોલીસનું કહેવું છે કે આ કેસમાં અન્ય આરોપીઓની પણ શોધ ચાલી રહી છે. જેમાં આમદ ચૌધરી, અલી રઝા, પ્રસાદ પરમલિંગમને ગયા મહિને પૂછપરછ માટે પકડવામાં આવ્યા હતા, જ્યારે પરમપાલ સિદ્ધુ અને અમિત જલોટાની શોધ ચાલી રહી છે. આ સિવાય કેનેડાના મિસિસોગાના રહેવાસી અરસલાન ચૌધરી અને બ્રેમ્પટનમાં રહેતી સિમરન પ્રીત પાનેસર માટે પણ સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ચોરીના સમયે બંને એર કેનેડામાં કામ કરતા હતા. એર કેનેડાના બે ભૂતપૂર્વ કર્મચારીઓએ પણ કબૂલ્યું છે કે તેઓએ ચોરીમાં મદદ કરી હતી. તેમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે ઘટના બાદ સર્ચ દરમિયાન એક આરોપીના ઘરેથી 1 કિલોગ્રામ સોનું મળી આવ્યું છે, જેની કિંમત લગભગ 89 હજાર કેનેડિયન ડોલર છે. આ સિવાય 4.34 લાખ કેનેડિયન ડૉલર રોકડા પણ મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને તેમની સામે વોરંટ જારી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.