આજથી દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં આકરી ગરમી સાથે હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવાયું છે કે, ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ પવન ફૂંકાશે. આ સાથે તેમણે માહિતી આપી છે કે 15 જૂનની આસપાસ વરસાદ રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિકે આજે ગુજરાતના હવામાનની આગાહી કરી છે. જેમાં તેમણે માહિતી આપી છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. જોકે, આ સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.
અમદાવાદ હવામાન વિભાગે એવી પણ માહિતી આપી છે કે આજે, કાલે અને બીજા દિવસે ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે તેમણે એવી પણ માહિતી આપી હતી કે ગુજરાતમાં ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ધૂળની ડમરીઓની ચેતવણી જારી કરવામાં આવી છે.
મહત્તમ તાપમાન વિશે વાત કરતા રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે અમદાવાદમાં 42.8 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાકમાં આ બંને શહેરોમાં તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગર બંનેમાં પાંચ દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
હાલમાં ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ પવન ફૂંકાશે. રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતમાં ચોમાસા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે આજે દેશમાં કેરળમાં ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જશે. આ વખતે પણ ચોમાસું આ તારીખની આસપાસ સેટ થવાની આગાહી છે. આ સિવાય તેમણે કહ્યું કે માછીમારોને કોઈ ચેતવણી આપવામાં આવી નથી.