અમદાવાદઃ કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે અને હવે ગુજરાતમાં ક્યારે પહોંચશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને દેશમાં ગરમીના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે અને ભવિષ્યમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે કૃષિ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની માહિતી આપી હતી. તેઓ એમ પણ કહી રહ્યા છે કે આ વર્ષે કેરળમાં ચોમાસું અઢી દિવસ વહેલું આવી ગયું છે.
જો ચાલુ ચોમાસું આગળ વધશે તો 14મી જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે તેવી શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ગુજરાતમાં વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં 13 કે 14 જૂને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આમ, આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ કરતાં અઢીથી ત્રણ દિવસ વહેલું ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ છે.
મહત્વનું છે કે, ચોમાસાનો સીધો સંબંધ પીવાના પાણી અને ખેડૂતો સાથે છે, તેથી આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતો દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.