લોકસભા ચૂંટણીમાં સતત પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે એક બેઠક પર એવી સમસ્યા છે કે ચૂંટણી પંચ પણ ફસાઈ ગયું છે. અહીં વારંવાર રિકાઉન્ટિંગ થઈ રહ્યું છે. અને દરેક વખતે પરિણામ અલગ હોય છે. આ અંગે મોડી સાંજ સુધી હોબાળો થયો હતો. બંને પક્ષોએ મત ગણતરીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. આખો મામલો જાણીને તમે પણ ચોંકી જશો.
આ નાટકીય ઘટના મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા સીટ પર જોવા મળી હતી. અહીં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકર વિજયી જાહેર થયા હતા. પરંતુ તે પછી શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકરે મત ગણતરીમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરી અને ફરીથી ગણતરીની માંગ કરી.
ચૂંટણી પંચે તેમની માંગ સ્વીકારી લીધી અને ફરી એકવાર મત ગણતરી શરૂ કરી દીધી. પહેલા ઈવીએમની ગણતરી થઈ, પછી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ. પોસ્ટલ બેલેટની ગણતરી થતાં જ અમોલ કીર્તિકર 45 મતથી પાછળ રહી ગયા હતા. આ પછી મતગણતરી કેન્દ્ર પર હંગામો થયો હતો.
હવે અમોલ કીર્તિકરે ફરીથી મત ગણતરીની માંગ કરી છે. ભારે હોબાળો બાદ શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને માત્ર 48 મતોથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. માત્ર અહીં જ નહીં, અન્ય ઘણી જગ્યાએ રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ મતગણતરી પણ થઈ રહી છે. પરંતુ આવી નાટકીય ઘટના ક્યાંય બહાર આવી ન હતી.

 
			 
                                 
                              
         
         
        