ચંદ્રબાબુ નાયડુ ફરી એકવાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. પરંતુ શપથ ગ્રહણ સમારોહ પહેલા જ તેમના પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં તેમના પરિવારની સંપત્તિમાં 105 ટકાનો વધારો થયો છે. આ સાથે નાયડુ પરિવારની સંપત્તિમાં 1,225 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
સોમવારે, હેરિટેજ ફૂડ્સના શેર ફરી એકવાર BSE પર 10 ટકાની ઉપલી સર્કિટને સ્પર્શ્યા હતા. આ સાથે શેર રૂ. 727.9ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો છે. બે અઠવાડિયા પહેલા 23 મેના રોજ તેની બંધ કિંમત 354.5 રૂપિયા હતી. 3 જૂનથી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ કંપનીમાં નાયડુનો પરિવાર 35.71 ટકા હિસ્સો ધરાવે છે.
નાયડુના પુત્ર નારા લોકેશ હેરિટેજ ફૂડ્સના પ્રમોટર છે. 31 માર્ચ, 2024 સુધીના ડેટા અનુસાર, તેમની પાસે કંપનીમાં લગભગ 10.82 ટકા હિસ્સો છે. કંપનીના અન્ય પ્રમોટરોમાં નાયડુની પત્ની ભુવનેશ્વરી નારા અને પૌત્ર દેવાંશ નારાનો સમાવેશ થાય છે. તેઓ કંપનીમાં અનુક્રમે 24.37 ટકા અને 0.06 ટકા હિસ્સો ધરાવે છે. નાયડુની પુત્રવધૂ બ્રાહ્મણીની પણ કંપનીમાં 0.46 ટકા ભાગીદારી છે.
10 જૂન, 2024ના ડેટા અનુસાર હેરિટેજ ફૂડ્સમાં ભુવનેશ્વરી નારાના હિસ્સાનું મૂલ્ય રૂ. 1631.6 કરોડ છે જ્યારે નારા લોકેશના હિસ્સાનું મૂલ્ય આશરે રૂ. 724.4 કરોડ છે. હેરિટેજ ફૂડ્સમાં નાયડુના પરિવારના હિસ્સાની કિંમત રૂ. 2,391 કરોડ છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ હેરિટેજ ફૂડ્સના શેરમાં વધારો થઈ રહ્યો છે. આ ચૂંટણીઓમાં તેલુગુદેશમ ગઠબંધનને 175માંથી 165 બેઠકો મળી હતી.
તેલુગુ દેશમનું ભાજપ અને પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે ગઠબંધન છે. હેરિટેજ ફૂડ્સ એ દેશની અગ્રણી મૂલ્યવર્ધિત અને બ્રાન્ડેડ ડેરી ઉત્પાદનોની કંપનીઓમાંની એક છે. તેની પેટાકંપની હેરીચેજ ન્યુટ્રીવેઈટ લિમિટેડ ચારા વ્યવસાયમાં છે. હેરિટેજ ફૂડ્સ મિલ્ક પ્રોડક્ટ્સનો ઉપયોગ 11 રાજ્યોમાં 15 લાખથી વધુ પરિવારો કરે છે. પાછલા નાણાકીય વર્ષમાં કંપનીની આવકમાં 17 ટકા અને નફામાં 83 ટકાનો વધારો થયો છે. આ વર્ષે તેના શેરમાં 126 ટકાનો વધારો થયો છે.