હાલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર હળવું થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ત્રણ દિવસ બાદ વરસાદી સિસ્ટમ નબળી પડતા સૌરાષ્ટ્રમાં વરસાદ વિરામ લે તેવી શક્યતાઓ છે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બે દિવસ એટલે કે 29 અને 30 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યાર બાદ બે દિવસના વિરામ બાદ ફરી એકવાર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે.
3જી થી 10મી ઓગસ્ટ સુધી. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા નજીક સિસ્ટમ સક્રિય થઈ જશે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત પહોંચશે. જેના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે જ્યારે કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
બે દિવસ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ડીસામાં ભારે વરસાદની સંભાવના છે. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ અને ભરૂચમાં ભારે વરસાદ અને નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.