ગુજરાતમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને આજે રાત્રે 8 વાગ્યા સુધી ગુજરાતના 159 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજની વાત કરીએ તો કચ્છના અબડાસામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. પાટણના સરસ્વતીમાં સાડા ત્રણ ઈંચ, પાટણમાં ત્રણ ઈંચ, બનાસકાંઠાના ભાભોરમાં અઢી ઈંચથી વધુ. રાજ્યના 27 તાલુકાઓમાં આજે એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી માહોલ જારી રહેશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદની આગાહી કરી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 2 ઓગસ્ટથી સૂર્ય અશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય અશ્વલેષ નક્ષત્રમાં આવશે તેથી વરસાદ ચાલુ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશમાં 6-7 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડી શકે છે.
ચોમાસાની ધરી ઉત્તર પૂર્વીય ભાગો તરફ વળશે
હવામાનશાસ્ત્રી અંબાલાલે જણાવ્યું હતું કે ચોમાસાની ધરી ઉત્તર-પૂર્વીય ભાગોમાં બદલાશે. ઓગસ્ટમાં પૂર્વ ભારત, મધ્યપ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારતમાં વરસાદ પડશે. તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં 3-4 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પણ પૂર આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં 16 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.