મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રક્ષાબંધનના અવસર પર રાજ્યની માતાઓ અને બહેનોને મોટી ભેટ આપી છે. દર વખતની જેમ આ વખતે પણ મહિલાઓ માટે બસની મુસાફરી ફ્રી કરવામાં આવી છે. 18મી ઓગસ્ટની મધ્યરાત્રિના 12થી 19મી ઓગસ્ટની મધ્યરાત્રિ સુધી રાજ્યની મહિલાઓ રોડવેઝની બસમાં મફત મુસાફરી કરી શકશે. આ સાથે ડ્રાઈવરો અને કંડક્ટરોને વિશેષ પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં 24 કલાક ફ્રી બસ સેવા ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ સિટી બસ અથવા પરિવહન નિગમની કોઈપણ બસમાં મફત મુસાફરી કરી શકશે. વાસ્તવમાં યોગી આદિત્યનાથનો પ્રયાસ રહ્યો છે કે રક્ષાબંધનના અવસર પર કોઈ બહેન તેના ભાઈને રાખડી બાંધવાથી વંચિત ન રહે. આ જ કારણ છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીની સૂચનાને પગલે વાહનવ્યવહાર વિભાગ સક્રિય બન્યું છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વધારાની રોડવેઝ બસો દોડાવવામાં આવશે. સીએમ યોગીની સૂચના પર મુસાફરોની સુવિધા માટે 2000 વધારાની બસો તૈનાત કરવામાં આવી છે. સીએમ યોગીએ રક્ષાબંધન અને આગામી પોલીસ પરીક્ષાઓ માટે ડ્રાઇવરો અને કંડક્ટરોને 15 દિવસ માટે 3000નું વિશેષ પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી હતી.
પરિવહન વિભાગ દ્વારા મળેલા આદેશ અનુસાર આ સમયગાળા દરમિયાન વર્કશોપ અને ટેકનિકલ સ્ટાફને 1200 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. તમામ ડ્રાઇવરો અને કંડક્ટરોને યુનિફોર્મમાં રહેવા અને નમ્રતાથી વર્તવાની સૂચના આપવામાં આવી છે. અકસ્માત મુક્ત કામગીરી માટે વિશેષ બ્રિફિંગ કરવામાં આવ્યું છે.