ખંભાતના અખાત પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. ગુજરાતમાં એક સપ્તાહ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ પડશે.
વરસાદના લાંબા વિરામ બાદ ગુરુવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને બફારામાંથી આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે. આગામી સાત દિવસ સુધી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે આગામી સાત દિવસમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ચેતવણી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે શુક્રવારની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ચેતવણી અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રામાશ્રય યાદવની આગાહી મુજબ ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં શનિવારે ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.