રાજ્યમાં મેઘરાજાએ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યના દરેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 170 તાલુકાઓમાં 2 થી 14 ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબીના ટંકારામાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો પંચમહાલના મોરવાહડફમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 11 તાલુકાઓમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નડિયાદમાં 13, બોરસદ અને વડોદરા શહેરમાં 13 ઈંચ.
આણંદ અને પાદરામાં 12.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાત, ગોધરા, વાંકાનેર અને તારાપુરમાં પણ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વસો, સોજીત્રા અને માંડવીમાં પણ 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર, મોરબી, નખત્રાણા, પેટલાદમાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટ, ખંભાળિયા, ગલતેશ્વર, કાલાવડમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરા, સંતરામપુર, મહેમદાવાદ, મહુધા, મેઘરજમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોળકા, લીમખેડા, માતરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમના કારણે અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેના કારણે કચ્છના માંડવી-કંડલા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ બની છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે ડીપ ડિપ્રેશન સર્જાયું છે.
ડીપ ડિપ્રેશન ગુજરાત/કચ્છ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ડીપ ડિપ્રેશનમાં ભારે વરસાદ અને તોફાની પવનો આવવાની આગાહી છે. ગુજરાતના દરિયાકાંઠે મોટો ખતરો તોળાઈ રહ્યો છે, કચ્છ સહિત તમામ વિસ્તારના બંદરોને એલર્ટ કરાયા છે. કચ્છના તમામ બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. માંડવી કોટેશ્વર જાખો સહિતના તમામ બંદરોના માછીમારોને તેમની બોટને સલામત સ્થળે લાંગરવાની સૂચનાને પગલે મોટાભાગના માછીમારો પરત ફર્યા છે.