રાજ્યના 238 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 1.5 ઈંચ વરસાદ દ્વારકાના ભાણવડમાં નોંધાયો હતો. કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છના લખપતમાં નવ ઈંચ વરસાદ નોંધાયો છે. જામજોધપુરમાં સાડા નવ ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યના 8 તાલુકાઓમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 20 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પરેશ ગોસ્વામીની આગાહીઓ
પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે આગામી 36 થી 40 કલાકમાં રાજ્યમાં વાવાઝોડું જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાશે. હું સરકારી તંત્રને પણ અપીલ કરું છું કે NDRF ટીમને અત્યારે તૈયાર રાખો. આગામી 36 કલાક ખૂબ જ જોખમી છે. આગામી 36 કલાક ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે ભારે છે. આ તમામ જિલ્લા આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપવામાં આવી શકે છે. કારણ કે, હવે આ જિલ્લાઓમાં જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ બ્રેક વરસાદ લાવશે.
અંબાલાલ પટેલની આગાહીઓ
રાજ્યના વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. તેમણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ અને જળબંબાકારની આગાહી કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે.28 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે.