રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનીનો સ્નાન કરતી વખતનો વીડિયો બનાવી લેતા વિવાદ થયો છે. વીડિયો વાયરલ કરતા બન્ને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર બાદ વિધાર્થીઓના ટોળા ભેગા થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની બે યુવતીઓ એન્જિયરીંગમાં અભ્યાસ કરે છે. દરમિયાન થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થિનીએ અન્ય એક વિદ્યાર્થિનીનો સ્નાન કરતા સમયનો વીડિયો બનાવી લીધો હતો. વિદ્યાર્થિનીએ વીડિયો ઉતારી તેનાં બોયફ્રેન્ડને મોકલ્યો હોવાનું સામે આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ ભોગ બનનાર વિદ્યાર્થિનીને જાણ થતા વીડિયો મોકલનાર વિદ્યાર્થિનીઓ વચ્ચે હોસ્ટેલમાં છૂટા હાથની મારામારી થવા પામી હતી.
આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાં સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીનીઓ સગીર હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરંતું બંને વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ કોલેજ તંત્રએ બન્ને વિધાર્થીનીઓના માતા-પિતાને બોલાવવામાં આવ્યા છે. વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવામાં આવશે હાલ તો નિવેદન લઇ યુવતીઓને જવા દેવામાં આવી છે. પોલીસની એક ટીમ હાલ હોસ્ટેલમાં છે જેથી વિવાદ વકરે નહીં.
જણાવી દઇએ કે રાજકોટની મારવાડી યુનિવર્સિટી અગાઉ અનેક વખત વિવાદમાં સપડાઈ ચુકી છે. યુનિવર્સિટીમાં અગાઉ ગાંજાના છોડ મળી આવ્યા હતા તેમજ પોલીસે આ મામલે એફએસેલમાં છોડ મોકલ્યા હતા તેમાં પણ સામે આવ્યું કે ગાંજાના છોડ હતા. તો 20222માં 19 વર્ષના વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા પાંચ સાથી વિદ્યાર્થીઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તો આ ઘટનાના થોડા મહિના પહેલા મારવાડી યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.