મુંબઈઃ સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર સાબિત થયો. ગયા શુક્રવારે, પહેલીવાર 84,000ના આંકને પાર કર્યા પછી, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર ધરાવતો સેન્સેક્સ 84,980ની નવી ટોચે પહોંચ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 26,000ના માર્કની ખૂબ નજીક આવ્યો હતો. બજારમાં તેજી વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M શેર)થી SBI (SBI શેર) સુધીના શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો.
શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, BSE સેન્સેક્સ 84,651.15 ના સ્તરે ખુલ્યો, તેના અગાઉના 84,544 ના બંધથી આગળ વધતા દિવસના કારોબાર દરમિયાન તે 84,980.53ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો. સેન્સેક્સની જેમ, એનએસઈના નિફ્ટીએ પણ શુક્રવારના 25,790.95ના બંધ સ્તરની સરખામણીમાં વધારા સાથે 25,872.55ના સ્તરે ખુલ્યો અને દિવસના ટ્રેડિંગ દરમિયાન 25,956ના સ્તરે પહોંચ્યો હતો.
જોકે, ટ્રેડિંગના અંતે સેન્સેક્સ-નિફ્ટીના મોમેન્ટમમાં થોડો બ્રેક આવ્યો હતો. સેન્સેક્સ 384.30 પોઈન્ટનો ઉછાળો લઈને 84,928.61ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 148 પોઈન્ટના ઉછાળા સાથે 25,939.05ના સ્તરે બંધ રહ્યો હતો. આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં 4 લાખ કરોડનો વધારો થયો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), કોટક મહિન્દ્રા બેંક, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ અને સન ફાર્મા સહિત લગભગ 350 શેરોએ સોમવારે, 23 સપ્ટેમ્બરે BSE પર ઇન્ટ્રાડે ટ્રેડમાં તેમની 52-સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જેણે બેન્ચમાર્ક, સેન્સેક્સ અને નિફ્ટી 50 ને તેમની નવી રેકોર્ડ સપાટી સુધી પહોંચવામાં મદદ કરી.
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 તેજી સાથે બંધ થયા અને 9 ઘટાડા સાથે ક્લોઝ થયા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.18 ટકા, એસબીઆઈ 2.35 ટકા, ભારતી એરટેલ 2.26 ટકા, એચયુએલ 1.54 ટકા, કોટક મહિન્દ્રા બેંક 1.49 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.42 ટકા, અદાણી પોર્ટ્સ 1.24 ટકા, ટાટા સ્ટીલ 1.22 ટકા, એનટીપીસી 1.03 ટકા, એચડીએફસી બેંક 0.98 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.
બ્રોકરેજ રિપોર્ટ પછી, અંબર એન્ટરપ્રાઇઝિસ આજે 15% ના વધારા સાથે બંધ થયો. સ્પોટ ગોલ્ડ નવી ઊંચાઈએ પહોંચ્યા બાદ કલ્યાણ જ્વેલર્સ, પીસી જ્વેલર્સ 5%ના વધારા સાથે બંધ થયા છે. બજારમાં મજબૂતી વચ્ચે આઈટી શેરોમાં અંડરપરફોર્મન્સ જોવા મળ્યું હતું.
આ શેર સૌથી વધુ તૂટ્યા
સોમવારે શેરબજારમાં ઉછાળા છતાં ઘટેલા શેરોની યાદી પર નજર કરીએ તો, સ્મોલકેપ કેટેગરીમાં ફ્યુઝન શેર (-9.99%), એમક્લાઉડ શેર (-5.80%) લપસી ગયો, જ્યારે મિડકેપ કંપનીઓમાં સૌથી મોટો ઘટાડો ફોનિક્સ શેરમાં હતો જે 3.06% ઘટીને રૂ. 1802 થયો હતો. આ સિવાય ટોર્ન્ટ પાવર શેર (-2.57%), વોલ્ટાસ શેર (-2.39%), RVNL શેર (-1.88%), Paytm શેર (-1.83%) અને Alkem શેર (-1.70%) ઘટીને બંધ થયા.