ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને આત્મઘાતી હુમલાના ડ્રોનનું મોટા પાયે ઉત્પાદન કરવાનો આદેશ આપ્યો છે. સરકારી મીડિયાએ શુક્રવારે આ જાણકારી આપી. આના એક દિવસ પહેલા તેણે આ વેપન સિસ્ટમનું ટેસ્ટિંગ જોયું હતું. કિમ જોંગ ઉને ઉત્તર કોરિયાના માનવરહિત એરિયલ ટેક્નોલોજી કોમ્પ્લેક્સ (યુએટીસી) દ્વારા બાંધવામાં આવેલા જમીન અને દરિયાઈ બંને લક્ષ્યો પર હુમલો કરવા માટે રચાયેલ ડ્રોનના પરીક્ષણો જોયા.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ માહિતી આપી
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ અહેવાલ આપ્યો, “કિમ જોંગ ઉને આત્મઘાતી હુમલાના ડ્રોનના મોટા પાયે ઉત્પાદનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.” આત્મઘાતી ડ્રોન વિસ્ફોટકો વહન કરતા માનવરહિત ડ્રોન છે, જે દુશ્મનના લક્ષ્યો પર છોડવા માટે જાણીજોઈને તૈયાર કરવામાં આવ્યા છે. આ અસરકારક રીતે માર્ગદર્શિત મિસાઇલ તરીકે કાર્ય કરે છે.
ઓગસ્ટમાં પ્રથમ વખત આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું હતું
પ્યોંગયાંગે ઓગસ્ટમાં પ્રથમ વખત તેના આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કર્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા સાથે વધતા સંબંધોને કારણે હવે ઉત્તર કોરિયા આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માંગે છે. ગુરુવારના પરીક્ષણમાં ડ્રોન પૂર્વનિર્ધારિત માર્ગ પર ઉડાન ભરી હતી અને “ચોક્કસપણે” લક્ષ્યોને ફટકાર્યા હતા, KCNAએ અહેવાલ આપ્યો હતો.
એજન્સીએ જણાવ્યું હતું કે, “આત્મઘાતી હુમલાના ડ્રોનનો ઉપયોગ જમીન અને સમુદ્ર પર દુશ્મનના કોઈપણ લક્ષ્યો પર ચોક્કસ હુમલા કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્ટ્રાઈક રેન્જમાં કરવામાં આવશે.”
ટેકનોલોજી રશિયા પાસેથી હસ્તગત
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં સરકારી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં આ ડ્રોન ઈઝરાયલી નિર્મિત ‘હારોપ’, રશિયન નિર્મિત ‘લેન્સેટ-3’ અને ઈઝરાયલી નિર્મિત ‘હીરો 30’ જેવા જ દેખાય છે. ઉત્તર કોરિયાએ આ ટેક્નોલોજી રશિયા પાસેથી મેળવી હશે.