ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિતની પત્ની રિતિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે રોહિતના ઘરે જલ્દી સારા સમાચાર આવવાના છે.
રોહિત અને રિતિકાનું આ બીજું સંતાન છે. આ પહેલા તેને એક દીકરી સમાયરા પણ છે. સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર 2018ના રોજ થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિતના બીજા બાળકનો જન્મ 15 નવેમ્બર એટલે કે શુક્રવારે થયો હતો. જો કે આ અંગે રોહિત કે રિતિકાની ટીમ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં રોહિત ભારતનું નેતૃત્વ કરશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે, પરંતુ રોહિત ભારતમાં જ છે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રમવા પર શંકા
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માના રમવા પર શંકા છે. રોહિત પોતાના બીજા બાળકના જન્મને કારણે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો નથી. રોહિત બીજી વખત પિતા બન્યા બાદ તે જોવાનું રસપ્રદ રહેશે કે તે પહેલી મેચ રમવા ઓસ્ટ્રેલિયા જાય છે કે પછી પરિવાર સાથે થોડો સમય વિતાવવા માંગે છે. જો કે, હજુ એ વાતની પુષ્ટિ થઈ નથી કે તે પ્રારંભિક ટેસ્ટમાં રમશે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે રોહિત પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે અંગે તેમની પાસે નક્કર માહિતી નથી. ગંભીરે કહ્યું હતું કે, આ અંગે અત્યારે કંઈ કહી શકાય નહીં. આગામી સમયમાં શું સ્થિતિ છે તે જણાવીશું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ઉપલબ્ધ રહેશે, પરંતુ આ વિશે કંઈપણ શ્રેણી શરૂ થયા પછી જ જાણી શકાશે.
રોહિત મુંબઈમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો
ટીમથી દૂર હોવા છતાં રોહિત ઓસ્ટ્રેલિયા ગયો નથી, પરંતુ તે આ શ્રેણી માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા રોહિતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે મુંબઈમાં નેટ પર સમય પસાર કરતો જોવા મળ્યો હતો.
રોહિત છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે.
રોહિતનું બેટ છેલ્લા કેટલાક સમયથી શાંત છે અને તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામે તાજેતરની ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીમાં રોહિતનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું હતું. વર્તમાન વર્ષમાં, રોહિતે 11 ટેસ્ટ મેચોમાં 29.40ની એવરેજથી 588 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ઘણી અડધી સદીનો સમાવેશ થાય છે. ડોમેસ્ટિક સિઝનમાં રોહિતનું પ્રદર્શન સારું રહ્યું ન હતું અને તેણે પાંચ મેચમાં 13.30ની એવરેજથી 133 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી સામેલ હતી.