સોનું ખરીદનારા કે તેમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. આ દેશમાં સોનાની કિંમતમાં પ્રતિ તોલા 15,900 રૂપિયાનો ઘટાડો થયો છે. જે બાદ તેને ખરીદવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઈ છે.
નેપાળ ગોલ્ડ એન્ડ સિલ્વર ડીલર્સ એસોસિએશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સરકારે કિંમતી પીળી ધાતુ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ સોમવારે સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળમાં પ્રતિ 11.664 ગ્રામ સોનાની કિંમત 15,900 રૂપિયા થઈ ગઈ છે. રવિવારે અહીં સોનાની કિંમત 167,200 રૂપિયા હતી, જે આજે ઘટીને 151,300 રૂપિયા પ્રતિ તોલા થઈ ગઈ છે.
કસ્ટમ ડ્યુટીમાં 50% ઘટાડો
નેપાળ સરકારે સોનાની આયાત પરની કસ્ટમ ડ્યૂટીમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ સોના પરની કસ્ટમ ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવી છે. જેના કારણે સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે કેબિનેટની બેઠક દરમિયાન સરકારે આ નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ખુલ્લી સરહદને કારણે કસ્ટમ ડ્યુટીમાં અસંતુલનને કારણે સોનાનો ગેરકાયદેસર વેપાર થતો હતો. આવા વેપારને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, ફેડરેશને કસ્ટમ ડ્યુટી 8 ટકા રાખવાનું સૂચન કર્યું હતું.
ભારતમાં સોનાની કિંમત
જો ભારતમાં સોનાની કિંમતની વાત કરીએ તો 24 કેરેટ સોનાની પ્રતિ દસ ગ્રામની કિંમત 75,450 રૂપિયા છે. તે જ સમયે, પ્રતિ દસ ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત હવે 69,110 રૂપિયા પર પહોંચી ગઈ છે. અગાઉના દિવસોની સરખામણીએ આજે ભારતમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. સોમવારે ભારતમાં 24 કેરેટ સોનું 77,080 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ હતું. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 70,610 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. આ દિવસોમાં દેશમાં સોનાની માંગ ઘણી વધારે છે. જેના કારણે ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ પાડોશી દેશમાં સોનાની કિંમત અચાનક 16 હજાર રૂપિયા સુધી ઘટી ગઈ છે.