હવે ગુજરાતમાં તહેવારો શરૂ થઈ રહ્યાં છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ 17મી ઓગસ્ટે સક્રિય થશે. આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાતમાં આવતા 19થી 24 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
અંબાલાલે આગળ વાત કરી કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અતિભારે વરસાદના કારણે રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. ઉના, મહુવા, ભાવનગર, જૂનાગઢના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ગીર સોમનાથના વિસ્તારોમાં પણ વરસાદ થશે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, હળવદ, ચોટીલા સહિતના ભાગોમાં પણ વરસાદ થશે.
આ સાથે જ કચ્છ, ઉત્તર ગુજરાતના સમી, હાજીર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહિસાગર, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે.
તો આ તરફ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, માછીમારોને 12થી 14 તારીખ દરમિયાન દરિયો ન ખેડવા અંગેની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગો માટે આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જે દરમિયાન દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40-50 કિલોમીટર અને ઝાટકાનો પવન 60 કિલોમીટર સુધી જવાની સંભાવનાઓ પણ સ્થાનિક હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.