આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. નવસારી, ભરૂચ, વાપી, તાપી, ડાંગ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહિસાગર અને વડોદરા સહિતના જિલ્લાઓથી લાંબો સમય થયો હતો. નવસારીના ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો ભરૂચમાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ભાવનગરના ગારીયાધાર પંથકમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી હતી. તો ગીર સોમનાથના તાલાલા ગીરના માધુપુર અને ધવા ગીરમાં ભારે વરસાદ થયો હતો. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત પહાડીઓમાં સુરવો નદીમાં પૂર આવ્યું છે.
આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.