સેન્ટ્રલ ફિલિપાઈન્સ વિસ્તારમાં જ્વાળામુખીના અચાનક વિસ્ફોટને કારણે 87 હજાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ પછી આ લોકોને આ વિસ્તારમાંથી બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ જ્વાળામુખી થોડા સમય માટે ફાટ્યો હતો પરંતુ તેની રાખના વાદળ કેટલાય કિલોમીટર સુધી પહોંચી ગયા હતા. મંગળવારે જ્વાળામુખી ફાટ્યા બાદ 87 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
રાખના વાદળો સાથે પડતો ઉકળતો લાવા
માહિતી અનુસાર સેન્ટ્રલ નેગ્રોસ દ્વીપ પર માઉન્ટ કાનલાઓન પર જ્વાળામુખી ફાટ્યા પછી, રાખ, ગેસ અને ઉકળતા લાવાના વિશાળ વાદળ પશ્ચિમી ઢોળાવ પર નીચે પડતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી આ જ્વાળામુખી વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે, જ્વાળામુખીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે ચેતવણી જાહેર કરી છે અને 87 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચવા કહ્યું છે. માનવામાં આવે છે કે આ જ્વાળામુખીમાં વધુ વિનાશકારી વિસ્ફોટ થઈ શકે છે.
જ્વાળામુખીની રાખ 200 કિમી દૂર સુધી પડી હતી
ફિલિપાઈન્સના મુખ્ય જ્વાળામુખી વિજ્ઞાની ટેરેસિટો બકોલકોલ કહે છે કે જ્વાળામુખીની રાખ પશ્ચિમમાં સમુદ્રમાં 200 કિલોમીટરથી વધુ દૂર એન્ટિક પ્રાંત સહિત વિશાળ વિસ્તારમાં પડી હતી. જેના કારણે આ વિસ્તારમાં ધુમ્મસ ફેલાઈ ગયું છે અને વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, આ રાખના કારણે લોકો અને અન્ય પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે પણ ખતરો ઉભો થયો છે.
ફ્લાઇટ્સ રદ
ફિલિપાઈન્સની સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર, કાનલાઓન ફાટી નીકળવાના કારણે સોમવાર અને મંગળવારે આ વિસ્તારમાં ઓછામાં ઓછી છ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને સિંગાપોરની એક ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આ સાથે બે સ્થાનિક ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.