હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે અને ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા નાગરિકોને તકેદારી રાખવા સૂચના જાહેર કરવામાં આવી છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. જેમાં જિલ્લાની તમામ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને પુરતી દવાઓ અને સ્ટાફ છે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂર જણાય તો 24 કલાક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
108 સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, તાલીમ પામેલા કર્મચારીઓ વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે અને તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં એન્ટી સ્નેક વેનોમ (ASV) ઈન્જેક્શનની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તમામ 108 એમ્બ્યુલન્સ વાહનો (ASV), પ્રસૂતિ કીટ, કટોકટી દવાઓ અને ઓક્સિજન સહિત ડીઝલનો પૂરતો પુરવઠો પુષ્ટિ કરવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓને તેમની રજા રદ કરવા અને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.