હાલમાં ગુજરાતમાં વરસાદ ઓછો પડી ગયો છે. જાણે વિરામ લઈ લીધો હોય એવી પણ હાલત છે. ત્યારે આ માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજથી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 23 થી 24 તારીખથી પંચમહાલ, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો ભરુચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આ સાથે જ અંબાલાલે કહ્યું કે સૌરાષ્ટ્રના ભાગમાં મધ્યમથી ભારે વરસાદ આવશે. 26 થી 30 તારીખ સુધીમાં નર્મદાનું જળસ્તર વધશે અને બંને કાંઠે વહેશે. સાબરમતી નદીના જળ સ્તરમાં પણ વધારો થશે. જો કે 27 તારીખથી ગુજરાતમાં ભારે પવન વરસાદ સાથે વધશે.
તો આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, 22 થી 31 જુલાઈમાં વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવી રહ્યો છે. જેને કારણે સારો વરસાદ પડે તેવી અપેક્ષા છે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. 22 તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ સક્રિય થશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. તે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવના છે. તેની અસર 23 તારીખથી ગુજરાતને થાય તેવું અનુમાન છે.
એ જ રીતે વરસાદને લઈ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 10 વાગે સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે.