ગુજરાત હાલમાં રેલમછેલ છે. તો વળી હવામાન વિભાગ અને અંબાલાલ હજુ પણ વરસાદની આગાહી આપી રહ્યાં છે. હવામાનના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, હાલમાં વાતાવરણમાં 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ અત્યંત ભારે વરસાદ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ નોંધાયો.
સૌથી વધુ અરવલ્લીના ભીલોડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો. તાપીના વ્યારામાં પોણા 6, ડોલવણમાં 5.5 ઈંચ વરસાદ, સુરતના પલસાણામાં 5, વલસાડના કપરાડામાં 5 ઈંચ વરસાદ, સુરત, સોનગઢમાં વરસ્યો 4.5 ઈંચથી વધુ વરસાદ, વાલોડ, ધરમપુર, દ્વારકામાં 4થી સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો. રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો. રાજ્યના 41 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.
તો આ તરફ અંબાલાલ પટેલે પણ ખતરનાક આગાહી કરી છે કે, અમદાવાદ ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે, 24 જુલાઈ થી 30 જુલાઈ દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ આવશે. 2 થી 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલે કહ્યું કે તાપી નદી અને નર્મદા બે કાંઠે થવાની આગાહી છે. જેથી દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદ થતાં જનધનને ધ્યાન રાખવું પડશે. પાણી ઘરમાં ઘૂસે તેવી સ્થિતિ પરિણમશે. ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા રહી શકે છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ધ્યાન રાખવા અપીલ છે.