ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું જોર પકડવા જઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમના મતે, 22 જુલાઈથી ગુજરાતમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. જો આ સિસ્ટમ મજબૂત બનશે, તો રાજ્યના કેટલાક ભાગોમાં 5 થી 6 ઇંચ વરસાદ પણ પડી શકે છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શું પરિસ્થિતિ હશે?
આ નવી સિસ્ટમ સક્રિય થતાંની સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. જ્યારે પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સીધી અસર ગુજરાતની નદીઓ પર જોવા મળશે. નર્મદા નદીના જળસ્તરમાં મોટો વધારો થશે, અને અમદાવાદની સાબરમતી નદીમાં નવા પાણીની આવક થવાની પણ શક્યતા છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ
સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. જેમાં દ્વારકા અને પોરબંદરમાં 3 ઇંચથી વધુ વરસાદની આગાહી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડી શકે છે. ઉપરાંત, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે 24 થી 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દિવસોમાં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 8 થી 10 ઇંચ કમોસમી વરસાદ પડી શકે છે, જેના કારણે સ્થાનિક નાની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિની સંભાવના છે. 22 જુલાઈથી સક્રિય થનારી આ સિસ્ટમ ગુજરાતને હચમચાવી નાખશે. દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે, જેના કારણે નાની નદીઓમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત રાહતની વાત એ છે કે રાજ્યમાં માત્ર જુલાઈમાં જ નહીં પરંતુ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે.
