ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરા ઉનાળાથી લોકો પરેશાન થયા છે. બીજી તરફ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં સુંદરતા ખીલી છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાંથી રાહત મળી છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું. તો ગાંધીનગરનું મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી છે. અમરેલીમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ, સુરેન્દ્રનગર અને કેશોદમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દરમિયાન આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તો સુરત, તાપીમાં કમોસમી વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે સૂચવ્યું છે કે 28, 29 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઇડર, અમરેલી, જૂનાગઢમાં ગરમી વધુ રહેશે. 29 એપ્રિલથી ગુજરાતમાં ફરી વરસાદ પડશે. પ્રિમોન્સૂન એક્ટિવિટી 29 એપ્રિલથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મેથી ગુજરાતમાં ફરી ગરમી પડશે. ગુજરાતમાં પણ આ દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ પછી, 10 થી 14 મે દરમિયાન ભારે વાવાઝોડા સાથે પ્રિમોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના છે. તે પછી, 20 મેથી ફરીથી ગરમી વધશે. ત્યારબાદ 24-25 મે સુધી ફરીથી પ્રિમોન્સૂન પ્રવૃત્તિ થશે. જેમાં 24 મેથી 4 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે.
જો કે 7 જૂનથી સાગરમાં પવન બદલાતા ફરી વરસાદ થશે. 8 થી 14 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. 17 જૂન પછી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેઠ વદમાં શ્રાવણ પંથકમાં વરસાદ પડે તો સારો વરસાદ થવાની સંભાવના છે. આ પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે.
વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે ગરમીમાંથી આંશિક રાહત મળી છે. રાજ્યના 20થી વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. માત્ર 4 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 41.2 ડિગ્રી, રાજકોટમાં 40.9 ડિગ્રી. તો સુરેન્દ્રનગરમાં 40.3, કેશોદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. નર્મદામાં સૌથી વધુ 4 મીમી વરસાદ નોંધાયો છે. પ્રિમોન્સૂન વરસાદ જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ-મધ્ય ગુજરાતમાં હજુ પણ માવઠાની આગાહી છે. વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા, જમ્મુમાં હવામાન પલટાયું
એક તરફ ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ભારે ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીર ઘાટીના બાંદીપોરાના ગુરેઝ ઘાટીમાં હિમવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ છે. અને આખો પર્વત બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો છે. આ દરમિયાન ઉત્તરાખંડના ચમૌલીના કેટલાક વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે.
બર્ફીલા પવનોને કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. આ સિઝનમાં સામાન્ય રીતે હિમવર્ષા ઓછી હોય છે. પરંતુ આ વર્ષે ઋતુચક્રમાં ફેરફારના કારણે એપ્રિલ મહિનામાં જાન્યુઆરી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શ્રીનગરમાં પણ હવામાન પલટાયું છે અને બરફ પડી રહ્યો છે. અહીં હજુ પણ વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. પહાડી વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી છે.