એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈની સડકો પર હત્યા કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યા કરી છે. બાબા સિદ્દીકી સલમાન ખાનની ખૂબ જ નજીક હોવાથી એવી શંકા છે કે બિશ્નોઈ ગેંગે સિદ્દીકીની હત્યા કરી છે. બીજી તરફ સલમાન ખાન પણ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. સલમાનને બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે અને થોડા મહિના પહેલા બિશ્નોઈ ગેંગે મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ પણ કર્યું હતું.
બીજી તરફ ભાજપના નેતા અને પૂર્વ સાંસદ હરનાથ સિંહ યાદવે સલમાન ખાનને બિશ્નોઈ સમુદાયની માફી માંગવાની સલાહ આપી છે. બીજેપી નેતા હરનાથ સિંહ યાદવે એક પોસ્ટમાં લખ્યું, ‘પ્રિય સલમાન ખાન, બિશ્નોઈ સમુદાય કાળા હરણને માને છે અને તેની પૂજા કરે છે, તમે એ જ કાળા હરણનો શિકાર કરીને તેને રાંધ્યું, જેનાથી બિશ્નોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. બિશ્નોઈ સમાજ તમારાથી ઘણા સમયથી નારાજ છે. મનુષ્ય ભૂલો કરે છે. તમે એક મહાન અભિનેતા છો, દેશની જનતા તમને ખૂબ પ્રેમ કરે છે. મારી તમને સલાહ છે કે બિશ્નોઈ સમુદાયની ભાવનાઓનું સન્માન કરો અને જે પણ ખોટું થયું હોય તેના માટે બિશ્નોઈ સમુદાયની માફી માગો.
બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ત્રીજી ધરપકડ પુણેમાંથી કરવામાં આવી છે. ફેસબુક પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લેનાર શુભમ લોંકરના ભાઈ પ્રવીણ લોંકરની પોલીસે પુણેથી ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે પ્રવીણ એવા લોકોમાંનો એક હતો જેમણે ધર્મરાજ કશ્યપ અને શિવકુમાર ગૌતમ સાથે શુભમ લોંકરને કાવતરામાં સામેલ કર્યા હતા.
બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે બાંદ્રા પૂર્વમાં તેમના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. થોડી જ વારમાં તેને બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે બાબા સિદ્દીકીને ગોળી મારનારા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના નામ ગુરમેલ બલજીત સિંહ ઉર્ફે કરનૈલ સિંહ અને ધરમરાજ સિંહ ઉર્ફે ધર્મરાજ રાજેશ કશ્યપ છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે હુમલાખોરો હુમલાના 25-30 દિવસ પહેલા આસપાસના વિસ્તારની શોધખોળ કરી રહ્યા હતા.