ગુજરાતના રાજકારણમાં નવો ગણગણાટ શરૂ થયો છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો ન હોવાથી ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મલાઈદાર મંત્રીપદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થઈ ગયું છે. જેમાં કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવા માંગ કરી છે. આ દરમિયાન કુંવરજીએ પણ દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી, હવે નવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ મુદ્દે કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
કોણ કપાશે, કોણ આવશે નવું
ઉલ્લેખનીય છે કે ગુજરાત કેબિનેટના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. પરંતુ કોઈને ખબર નથી કે તે થશે કે નહીં, અથવા તે ક્યારેય થશે. કોની હકાલપટ્ટી થશે અને તેના સ્થાને કયા નવા નેતાની વરણી કરવામાં આવશે તે અંગે પક્ષમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ ગણગણાટ વચ્ચે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને કેબિનેટમાં બઢતી આપવાની માંગ કરી છે.
કુંવરજી માટે સમગ્ર દિલ્હી સુધી રજૂઆત
જસદણ વિંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જેવો મહત્વનો હોદ્દો આપવા દિલ્હીમાં રજૂઆત કરી છે. કોળી સમાજે રજૂઆતમાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે ત્યારે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવો જેથી કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે. પંચાલ વિકાસ મંડળ અને કોળી સમાજના આગેવાન વિનોદ વાલાણીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને બઢતી આપવાની દરખાસ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
કુંવરજીની પ્રતિક્રિયા
તાજેતરમાં દિલ્હીમાં વડાપ્રધાનને મળ્યા હતા. ત્યારે અચાનક દિલ્હી દરબારમાં કુંવરજીની હાજરીએ પણ ચર્ચા જગાવી છે. આ ચર્ચાઓ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ‘હું ભાજપનો કાર્યકર છું અને મને ખબર નથી કે આવી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હું કેબિનેટ મંત્રી તરીકે સંતુષ્ટ છું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતને 5 નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. આખરે નીતિન પટેલને આ પદ મળ્યું. નીતિન પટેલ બાદ કોઈને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું નથી.