ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સેવા, IFTV, ભારતના ભાગોમાં શરૂ કરી છે. કંપનીના નવા લોગો અને અન્ય ફીચર્સ સાથે આ નવી સર્વિસ ગયા મહિને લોન્ચ કરવામાં આવી હતી. IFTV BSNL ના ફાઇબર-ટુ-ધ-હોમ (FTTH) નેટવર્કનો ઉપયોગ કરે છે અને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા લાઇવ ટીવી અને પે-ટીવી વિકલ્પો પ્રદાન કરે છે.
500 થી વધુ ચેનલો જોઈ શકશે
IFTV ની શરૂઆત પહેલાં, BSNL એ દેશભરમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય Wi-Fi રોમિંગ સેવા શરૂ કરી હતી. આનાથી વપરાશકર્તાઓને ડેટા ખર્ચ ઘટાડવામાં મદદ મળી. શરૂઆતમાં, IFTV સેવા મધ્યપ્રદેશ અને તમિલનાડુના ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે, જેમાં 500 થી વધુ લાઇવ ટીવી ચેનલો ઉચ્ચ ગુણવત્તામાં પ્રસારિત થશે.
ડેટા ખતમ થયા પછી પણ ચાલશે
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની લાઇવ ટીવી સેવાઓથી વિપરીત, BSNLની IFTV સેવા વપરાશકર્તાઓના ડેટાને ડ્રેઇન કરતી નથી. સ્ટ્રીમિંગ માટે ઉપયોગમાં લેવાતો ડેટા તેમના FTTH પેકમાંથી કાપવામાં આવશે નહીં અને અમર્યાદિત સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.
BSNL એમેઝોન પ્રાઇમ વિડિયો, ડિઝની+ હોટસ્ટાર, નેટફ્લિક્સ, યુટ્યુબ અને ZEE5 જેવા લોકપ્રિય OTT પ્લેટફોર્મ તેમજ ગેમિંગ વિકલ્પો ઓફર કરવાની યોજના ધરાવે છે. પરંતુ હાલમાં IFTV સેવા ફક્ત Android 10 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર ચાલતા Android TV સાથે કામ કરે છે. ગ્રાહકો ગૂગલ પ્લે સ્ટોર પરથી BSNL લાઈવ ટીવી એપ ડાઉનલોડ કરી શકે છે.
BSNL ગ્રાહકો BSNL સેલ્ફકેર એપ દ્વારા સરળતાથી આ સેવાનો લાભ લઈ શકે છે. આ નવા લોન્ચ સાથે, BSNLની પહેલાથી જ ચાલી રહેલ ઈન્ટરનેટ ટેલિવિઝન (IPTV) સેવા વધુ મજબૂત બની છે. કંપનીનો ઉદ્દેશ્ય ગ્રાહકોને સલામત, સસ્તું અને સારી સેવાઓ પ્રદાન કરવાનો છે.