હૈદરાબાદ સિટી પોલીસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર કે માધવી લથા અને ભાજપના અન્ય નેતાઓ સામે તાજેતરના ચૂંટણી પ્રચારમાં સગીરોનો કથિત ઉપયોગ કરવા બદલ કેસ નોંધ્યો છે.
તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ને કરેલી ફરિયાદમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC)ના ઉપાધ્યક્ષ નિરંજન રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે 1 મેના રોજ લાલદવાઝાથી સુધા ટોકીઝ સુધીની ભાજપની રેલી દરમિયાન કેટલાક સગીર બાળકો અમિત શાહ સાથે સ્ટેજ પર આવ્યા હતા.
FIR કોપી પર ઉપલબ્ધ માહિતી મુજબ નિરંજન રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે એક બાળક બીજેપીના સિમ્બોલ સાથે જોવામાં આવ્યું હતું. આ ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પોલ પેનલને તેમની ફરિયાદ બાદ, CEOએ તેને વાસ્તવિક અહેવાલ માટે શહેર પોલીસને મોકલી, જેના પરિણામે ગુરુવારે સાંજે 7 વાગ્યે મોગલપુરા પોલીસ સ્ટેશન દ્વારા અમિત શાહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી.
આ કેસમાં અન્ય આરોપીઓમાં ટી યમન સિંહ અને ભાજપના વરિષ્ઠ નેતા જી કિશન રેડ્ડી અને ધારાસભ્ય ટી રાજા સિંહનો સમાવેશ થાય છે. પોલીસે IPC કલમ 188 (જાહેર સેવક દ્વારા જારી કરાયેલ આદેશનું ઉલ્લંઘન) હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે.