9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે 10મી એપ્રિલે નવરાત્રીનો બીજો દિવસ છે. મહાપર્વ નવરાત્રિનું બીજું નોરતું મા બ્રહ્મચારિણીને સમર્પિત છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.
સનાતન ધર્મમાં મા દુર્ગાના 09 સ્વરૂપોની પૂજા વિશેષ મહત્વ છે. આ સ્વરૂપોની પૂજા અલગ-અલગ રીતે કરવામાં આવે છે અને વિવિધ મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે. નવરાત્રીનો બીજા દિવસ માતા દુર્ગાના બ્રહ્મચારિણી રૂપને સમર્પિત હોય છે. માતા બ્રહ્મચારિણી સફેદ વસ્ત્રો પહેરે છે પરંતુ તેમનો પ્રિય રંગ લાલ છે. વટ વૃક્ષનું ફૂલ માતાને ખૂબ જ પ્રિય છે.
‘બ્રહ્મા’ એટલે તપસ્યા અને ‘ચારિણી’નો અર્થ થાય છે આચરણ કરનાર એટલે કે તપસ્યા કરનાર દેવી. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે. સાથે જ બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવાથી ભક્તની તપસ્યાની શક્તિ વધે છે. તેની સાથે જ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
કંઈ રીતે નામ પડ્યું બ્રહ્મચારિણી?
બ્રહ્મચારિણીએ ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને તેના કારણે તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું હતું. તેમની સાધના અને ઉપાસનાથી જીવનની દરેક સમસ્યા અને સંકટ દૂર થઈ જાય છે. વિદ્યાર્થીઓ માટે માતા બ્રહ્મચારિણીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. દુર્ગા સપ્તશતી અનુસાર માતા બ્રહ્મચારિણી સફેદ વસ્ત્રો ધારણ કરે છે અને તેમના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડલ છે.
માતાની પ્રાર્થનાથી તકલિફો અને સમસ્યા દૂર થાય
બ્રહ્મચારિણીના સ્વરૂપની પૂજા કરવાથી સાધક શાંતિનો અનુભવ કરે છે. આ સાથે જ માતાની પ્રાર્થનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચારની વૃદ્ધિ થાય છે. બ્રહ્મચારિણીની તપની દેવી હોવાથી તેમની પ્રાર્થના એકાગ્રતાનો અનુભવ કરાવે છે. માતાની કૃપાથી તેમના આશીર્વાદથી માણસને સર્વત્ર સિદ્ધિ અને સફળતા મળે છે. આજના દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજામાં, મંત્ર ‘दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू, देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा’ અથવા ‘ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:’નો રુદ્રાક્ષની માળા પર જાપ કરવો જોઈએ. કહેવાય છે કે, બીજા નોરતે જો મનુષ્ય મા બ્રહ્મચારિણીની પ્રાર્થના કરે તો તેના જીવનની તકલિફો અને સમસ્યા દૂર થાય છે. અને તેના જીવનમાં શાંતિ સ્થાપાય છે.
મા બ્રહ્મચારિણીનો પૂજા મંત્ર
ह्रीं श्री अम्बिकायै नम:।