અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થયું છે, જેની અસર ગુજરાતના હવામાન પર પડી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ શરૂ થયું છે. આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડશે. જોકે, ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં ડિપ્રેશનને કારણે વરસાદ પડશે.
હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડિપ્રેશન હાલમાં મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિમી દૂર સક્રિય છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના બંદર પર સિગ્નલ નંબર 1 લગાવવામાં આવ્યો છે. પવનની ગતિ 35-50 કિમી પ્રતિ કલાક રહેશે.
આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આજે સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ. ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી.
25 મેના રોજ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
26 મેના રોજ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
27 મેના રોજ અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 28 મેના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અથવા ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.