ગુજરાતમાં 4 સિસ્ટમ મંડરાઈ રહી છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો ઉભો થયો છે. બીજી તરફ 3 ડેમ ઓવરફ્લો થતાં સૌરાષ્ટ્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ પડ્યો છે. તો જામનગરના ધ્રોલમાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે. ભુજમાં વીજળી પડવાથી એક ગાયનું મોત થયું છે. દરમિયાન, હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગના અપડેટ મુજબ, હવામાન વિભાગે સવારે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે.
આગામી ત્રણ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડશે?
આજે ઘણા જિલ્લાઓ રેડ એલર્ટ પર છે
રાજ્યમાં વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વલસાડ, પોરબંદર અને દ્વારકા આજે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પર છે. તો આજે સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ હેઠળ છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ સાથે કચ્છ, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી અને મોરબીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
20 જુલાઈ સુધીની આગાહી
બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યના ઘણા ભાગોમાં 20 જુલાઈ સુધી વરસાદી ઝાપટા ચાલુ રહેશે. જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 20મી સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડશે. 18 થી 20 તારીખ સુધીમાં મજબૂત સિસ્ટમ રચાય તેવી શક્યતા છે. જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
મજબૂત વરસાદી સિસ્ટમ વરસાદ લાવશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20મી સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. 18 થી 20 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. મજબૂત સિસ્ટમના કારણે તેનો વિસ્તાર મોટો હશે જેના કારણે પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેશે.