માનવ સભ્યતાના રાજકીય ઈતિહાસમાં સંભવતઃ આ પહેલીવાર હશે જ્યારે કોઈ દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યું છે અને તે પહેલા જ કોર્ટ તેને કોઈ કેસમાં સજા સંભળાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાના થોડા અઠવાડિયા પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પને 10 જાન્યુઆરીએ ન્યૂયોર્કના ‘હશ મની’ કેસમાં સજા સંભળાવવામાં આવશે.
જોકે, ન્યૂયોર્કના જજ જુઆન માર્ચને સંકેત આપ્યા છે કે ટ્રમ્પને જેલમાં મોકલવામાં આવશે નહીં. જજે પોતાના આદેશમાં કહ્યું છે કે ટ્રમ્પ સુનાવણીમાં રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે હાજરી આપી શકે છે.
કેસને રદ્દ કરવાનો પ્રયાસ કર્યો
વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીતનું કારણ આપીને આ કેસને બરતરફ કરવાની માંગ કરી હતી. તેમની લીગલ ટીમે પણ જજના નિર્ણયની ટીકા કરી અને તેને ગેરકાયદેસર ગણાવ્યો. ટીમે માંગણી કરી હતી કે આ કેસને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.
34 આરોપોમાં દોષિત
બીબીસીના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પને ગયા મે મહિનામાં 34 અપરાધિક મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ મામલા 2016ના ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને US $130,000 ના હશ મની આપવા અને છુપાવવા સંબંધિત હતા. ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા અને પોતાને નિર્દોષ જાહેર કર્યા. તેમણે કહ્યું હતું કે આ માત્ર તેમના 2024ના રાષ્ટ્રપતિ અભિયાનને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે.
‘શરતી ડિસ્ચાર્જ’નો જજનો નિર્ણય
રિપોર્ટ અનુસાર જજ માર્ચને કહ્યું કે ટ્રમ્પને જેલમાં મોકલવાને બદલે તેમને શરતી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ન્યાયાધીશે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સજાથી રાષ્ટ્રપતિના કાર્યો પર કોઈ અસર નહીં પડે. તેણે વિકલ્પો આપ્યા છે કે સજાની તારીખ 2029 સુધી મોકૂફ રાખી શકાય અથવા ટ્રમ્પને જેલથી બચવાની ખાતરી આપી શકાય.
ટ્રમ્પના કાનૂની પડકારો શું છે?
દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં વ્હાઇટ હાઉસમાં સેવા આપનારા ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બનશે. તેમની સામે વધુ ત્રણ કેસ પેન્ડિંગ છે, જેમાં ગોપનીય દસ્તાવેજોના આરોપો અને 2020ની ચૂંટણીના પરિણામોને પલટાવવાના પ્રયાસનો સમાવેશ થાય છે. જો કે, તેમની ઉંમર, તેમની કાનૂની અને રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો માને છે કે ટ્રમ્પને જેલમાં મોકલવામાં આવશે નહીં.