જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. સતત પાંચ ટ્રેડિંગ દિવસો સુધી રેકોર્ડ ઊંચાઈ બનાવ્યા બાદ, આજે (શુક્રવાર, 21 માર્ચ) સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,506 રૂપિયાથી 337 રૂપિયા ઘટીને 88,169 રૂપિયા થઈ ગયો છે. ગુરુવારે સોનાના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે હતા. MCX પર બેન્ચમાર્ક ગોલ્ડ કોન્ટ્રેક્ટ ઘટીને રૂ. 88,159 થયો. આ રીતે, ગુરુવારના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી સોનામાં 1,600 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.
ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. એક કિલો ચાંદીનો ભાવ 772 રૂપિયા ઘટીને 97,620 રૂપિયા થયો, જે ગુરુવારે 98,392 રૂપિયા હતો. ૧૮ માર્ચે ચાંદી ૧,૦૦,૪૦૦ રૂપિયા પ્રતિ કિલોના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ તેમાં અત્યાર સુધીમાં ૨,૭૮૦ રૂપિયાનો ઘટાડો થયો છે.
વૈશ્વિક સ્તરે, બેન્ચમાર્ક સ્પોટ ગોલ્ડ આજે ઇન્ટ્રા-ડે $3,022.05 પ્રતિ ઔંસના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જે અગાઉના ટ્રેડિંગ દિવસે $3,057.21 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. બેન્ચમાર્ક યુએસ ગોલ્ડ ફ્યુચર્સ પણ ગુરુવારના ઉચ્ચતમ સ્તરથી $26 ઘટ્યા. ગઈકાલે તે $3,065.20 ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જ્યારે આજે તે $3,026.90 પર આવી ગયો.
ફક્ત પ્રમાણિત સોનું ખરીદો
હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા પ્રમાણિત હોલમાર્કવાળું સોનું ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે. આને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. આ સંખ્યા આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવી – AZ4524. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે કોઈ ચોક્કસ સોનું કેટલા કેરેટનું છે.