શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમ હાલમાં ગુજરાત તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આ સિસ્ટમ છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક ભાગોમાં છે. તે ગુજરાતથી આશરે 750 કિમી દૂર છે. જે થોડા કલાકોમાં પૂર્વ મધ્યપ્રદેશ પહોંચી શકે છે. જો કે, તે મધ્યપ્રદેશ પહોંચે ત્યાં સુધીમાં, તે એક સ્પષ્ટ લો-પ્રેસરમાં ફેરવાઈ શકે છે. પછી જોઈએ, આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ક્યાં છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા હવામાન નકશા મુજબ, આજે, રવિવાર, 27 જુલાઈના રોજ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં રેડ એલર્ટ છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નકશા મુજબ, 28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વિવિધ હવામાન મોડેલોની આગાહી મુજબ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે બે દિવસ ખૂબ ભારે છે. ECMWF હવામાન મોડેલની આગાહી મુજબ, 28 જુલાઈ સુધીમાં તમામ વિસ્તારોમાં 3 થી 12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
બીજી તરફ, ICON હવામાન મોડેલ પણ 28 જુલાઈ સુધીમાં આ બધા જિલ્લાઓમાં 3 થી 12 ઇંચ સુધી વરસાદની શક્યતા દર્શાવી રહ્યું છે. જોકે, GFS હવામાન મોડેલમાં દર્શાવ્યા મુજબ, આ સિસ્ટમની અસર ગુજરાત પર પડશે. પરંતુ વધુ અસર ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થશે. જ્યાં 28 જુલાઈ સુધીમાં 5 ઇંચ સુધી વરસાદ શક્ય છે.