બંગાળની ખાડી આ વર્ષે વધુ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે આગામી ચારથી પાંચ દિવસ વધુ સાવચેતીની જરૂર છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, જંબુસર, બોડેલી, પાદરા, નડિયાદ, આણંદ અને વડોદરા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમાં પણ ભયાનક સ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખવું પડશે.
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ છે, જ્યાં ચારથી પાંચ દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. સુરત અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં 10-12 ઈંચ વરસાદ પડવાની આગાહી છે, જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ઉત્તર ગુજરાતે પણ સાવચેત રહેવાની જરૂર છે. સિસ્ટમની અસર લુણાવાડામાં જોવા મળી છે, અને આ સિસ્ટમ ચાલુ રહે તેવી શક્યતા છે. પશુપાલકોએ તેમના પશુઓની ખાસ કાળજી લેવી પડે છે.
પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે નદીઓમાં પૂર આવી શકે છે. સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જેવા ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. કચ્છમાં ફરી ભારે વરસાદ પડી શકે છે.
ભાદરવો ભારે પડી શકે છે, 7 અને 10 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડશે. 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે, અને 10 ઓક્ટોબરની આસપાસ પણ વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું વિદાય લેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લેશે.