મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સે સોમવારે મુંબઈની ટીમને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સની આ સતત ત્રીજી જીત છે. સામે મુંબઈ ઈન્ડિયન્સે હારની હેટ્રિક મારી દીધી છે. આમ છતાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એકદમ કુલ અને બિન્દાસ છે. તેણે મેચ બાદ સ્વીકાર્યું કે તેની વિકેટથી રમતમાં ફરક પડ્યો.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. જવાબમાં રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગ (39 બોલમાં 54 રન)ની અડધી સદીની મદદથી 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. આ પહેલા યુઝવેન્દ્ર ચહલ (3/11) અને ટ્રેન્ટ બોલ્ટ (3/22) એ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી અને મુંબઈ ઈન્ડિયન્સને સાધારણ સ્કોર સુધી રોકી હતી. નાન્દ્રે બર્જરે બે વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યા (34) અને તિલક વર્મા (32) સિવાય કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો.
હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું, ‘અમે ઈચ્છતા હતા તે રીતે શરૂઆત કરી ન હતી. આજની રાત મુશ્કેલ હતી.’ જ્યારે પંડ્યાને તેની ઇનિંગ્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘મને લાગે છે કે એક સમયે અમે 150-160 રન સુધી પહોંચવાની સ્થિતિમાં હતા. પરંતુ મારી વિકેટે રમત બદલી નાખી અને મેચમાં તેમને વધુ સારી સ્થિતિમાં મૂક્યા. મને લાગે છે કે હું વધુ સારું કરી શક્યો હોત.’
વાનખેડેમાં રમાયેલી આ મેચમાં ઝડપી બોલરોને ઘણી મદદ મળી હતી. જ્યારે પીચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે હાર્દિકે કહ્યું, ‘બોલરોને થોડી મદદ મળે તે સારું છે. આ રમત બોલરો માટે એકદમ ક્રૂર છે. તેમ છતાં, બોલરોને આટલી મદદ અપેક્ષા બહાર હતી. તે બધું યોગ્ય વસ્તુઓ કરવા વિશે છે.’