લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમૂલ અને મધર ડેરી બંનેએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવ વધારા બાદ સામાન્ય લોકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગવાનો છે. મોંઘા દૂધની અસર માત્ર દૂધના ભાવ પુરતી સીમિત નહીં રહે પરંતુ તેના કારણે દૂધમાંથી બનતી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે. પરંતુ દૂધના ભાવમાં વધારો અહીં અટકવાનો નથી. તેના બદલે દેશના અનેક રાજ્યોમાં ગરમી અને હીટવેવને કારણે દૂધ ઉત્પાદન પર અસર પડી શકે છે જેના કારણે દૂધના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
દૂધ ઉત્પાદન ઘટી શકે છે
મધર ડેરીએ પણ દૂધના ભાવ વધારા સંદર્ભે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાઓથી દૂધની ખરીદી માટે ઉંચા ભાવ આપવામાં આવી રહ્યા છે પરંતુ તેનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવ્યો નથી. આ સિવાય સમગ્ર દેશમાં જબરદસ્ત હીટવેવ જોવા મળી રહી છે જેના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. મધર ડેરીએ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકો અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને ભાવમાં માત્ર 3 થી 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
મધર ડેરી – અમૂલે ભાવ વધાર્યા
રવિવારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને ડેરી ઉત્પાદનોનું વેચાણ કરે છે, તેણે પણ સમગ્ર દેશમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવાની જાહેરાત કરી છે. GCMMF એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓપરેશન કોસ્ટ અને દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ ઉત્પાદકોને વધુ ભાવ મળી શકશે અને તેનાથી દૂધ ઉત્પાદન વધારવામાં પણ મદદ મળશે. ફેડરેશને કહ્યું કે, તેણે ફેબ્રુઆરી 2023 પછી પહેલીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે.
મિઠાઈ અને બિસ્કિટના ભાવ વધી શકે છે
છૂટક મોંઘવારી દરના આંકડા અનુસાર, ફેબ્રુઆરી 2023માં દૂધનો ફુગાવાનો દર 9.65 ટકા પર પહોંચી ગયો હતો, જે એપ્રિલ 2024માં ઘટીને 2.97 ટકા પર આવી ગયો છે. પરંતુ દેશમાં ભારે ગરમી અને હીટવેવને કારણે દૂધ ઉત્પાદન પર અસર પડી શકે છે. ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે દૂધ મોંઘુ થઈ શકે છે. મોંઘા દૂધની અસર માત્ર દૂધની મોંઘવારી પૂરતી સીમિત નહીં રહે. દૂધના ભાવમાં વધારાને કારણે ઘી, માખણ, ચીઝ, ખોયા અને દહીં લસ્સીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. આઈસ્ક્રીમ, મીઠાઈઓથી લઈને બિસ્કિટ અને ચોકલેટ, ચાની ચુસ્કી પણ મોંઘી થઈ જશે.